પાટણ:કોલેજ અને યુનિવર્સિટી વચ્ચે એક સ્વસ્થ સ્પર્ધા ચાલતી હોય છે, પરંતુ ક્યારેક કેસ એવો સામે આવે છે. જેમાં ભીનું સંકેલવાના ભરપૂર પ્રયાસો થાય છે. વિજાપુર સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી આવેલા ત્રણ નિરીક્ષકોએ 11 વિદ્યાર્થીઓને ચોરી કરતા પકડાયા હતા. જેમાં સમગ્ર કેસ દબાવવા માટે નિરીક્ષકોને સામ-દામ અને દંડ સુધીનું દબાણ કરવામાં આવ્યા હોવાનું શિક્ષણ વિભાગમાંથી જાણવા મળ્યું. આ નિરીક્ષકોએ એક રિપોર્ટ તૈયાર કરીને યુનિવર્સિટીને સોંપ્યો હતો. એટલું જ નહીં નિરીક્ષકોને નજર કેદ કરી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. આ મામલો પાટણ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ટીમ યુદ્ધના ધોરણે દોડી ગઈ હતી. જોકે આ કેસમાં હકીકત સુધી પહોંચવા માટે એક સમિતિ તૈયાર કરાઈ છે. જેના રિપોર્ટમાંથી સત્યની સ્પષ્ટતા થશે.
"દમનનો ભોગ બનનાર ત્રણે પ્રોફેસરોએ યુનિવર્સિટીના સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. બનાવની સત્ય હકીકત જાણવા યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ નીમી તેના અહેવાલ બાદ કોલેજ સામે પગલા ભરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે . હાલમાં આ કોલેજને કોઈ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં નહી આવે" -- યુનિવર્સિટીના રજીસ્ટાર ચિરાગ પટેલ
નજરકેદ કર્યા: ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજાપુરની સાયન્સ કોલેજ ખાતે એમ.એસ.સી. સેમેસ્ટર 4 ના 45 વિદ્યાર્થીઓની પ્રેકટીકલ પરીક્ષા લેવા યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ત્રણ નિરીક્ષક પ્રોફેસર ડો.દીપિકા, ડો.શ્વેતા અને ડો.હિમાંશુ ગયા હતા.પ્રથમ દિવસે જ 11 વિદ્યાર્થી કાપલી વડે ચોરી કરતા ઝડપાયા હતા. તે દરમિયાન પરીક્ષા નિરીક્ષકોની ટીમ દ્વારા આ વિદ્યાર્થીઓ ઉપર કોપી કેસ કરવાની તૈયારી કરતા કોલેજના સ્ટાફ દ્વારા ત્રણે પ્રોફેસરોને કોપી કેસ નહી કરવા ધાક - ધમકી આપી નજરકેદ કર્યા હતા.
અલગ બેસાડી પરીક્ષા: બીજા દિવસે ચોરી કરનાર 11 વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓથી અલગ બેસાડી પરીક્ષા લેવામાં આવી હતી . ત્યારબાદ ચોરી કરતા ઝડપાયેલા 11 વિદ્યાર્થીઓને બોલાવી કોપી કેસ કરવાની પ્રક્રિયા હાથ ધરાતા કોલેજ ટીમ વિદ્યાર્થીઓની પડખે રહી વાલીઓ ગાડી ભરી કોલેજમાં આવી રહ્યા છે. હવે તમે બહાર નહીં જઈ શકો તેવી ધમકી આપતા ત્રણે પ્રોફેસરો ભયભીત બની ગયા હતા. પોતાની સુરક્ષા સામે જોખમ હોવાનું લાગતા પાટણ ખાતે યુનિવર્સિટીના કુલપતિ,પરીક્ષા ચેરમેન,રજીસ્ટ્રારનો સંપર્ક કરી હકીકત જણાવતા રજીસ્ટ્રાર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી પોલીસ બંદોબસ્ત મોકલ્યો હતો.પોલીસને કોલેજમાં આવેલા જોઈ બદનામી ન થાય તે માટે પોલીસ રક્ષણ વગર જ સંસ્થાના વાહનમાં આ ત્રણે પ્રોફેસરોને મહેસાણા સુધી મૂકી આવ્યા હતા.