પાટણ: આત્મહત્યાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં કોઈ બીજા કારણોસર કોઈનું મોત થઈ જાય તો પણ આજના સમયમાં એવું લાગે છે કે આત્મહત્યા કરી હોય શકે. પાટણમાં એક બનાવ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે કે હત્યા તે કહેવું મુશ્કેલ છે. પાટણ જિલ્લાના હારીજ નજીકથી પસાર થતી કુરેજા કેનાલમાં આજે સવારના હારીજની પીલુવાડા શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતા ચંદ્રેશ પરમાર નામના વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.
"યુવક કેનાલમાં પડ્યો હોવાની જાણ થતા હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તરવૈયાઓ દ્વારા મૃતકને બહાર કઢાવી તેનો પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થી કેનાલમાં મોં ધોવા ગયો હોય અને પગ લપસતા પડી જઈ પાણીમાં ડૂબ્યો હોવાનું જણાઈ રહ્યું છે.--" કે.પટેલ (પી.આઈ.આર)
પરિવારમાં માતમ છવાયો: આ વિદ્યાર્થી પોતાના ઘરેથી સવારે શાળાએ જવાનું કહીને નીકળ્યો હતો. તેના પિતા વાલાભાઈ પરમારના જણાવ્યા મુજબ ચંદ્રેશ પરમાર ધોરણ 9 માં પીલુવાડાની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો હતો. તેને શા માટે આપઘાત કર્યો હશે. આ અંગે વાલાભાઈ પરમારે હારીજ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં માતમ છવાયો હતો.
સાચી હકીકત બહાર આવશે: આ મામલે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આ વિદ્યાર્થીનું શાળાનું દફતર,ચપ્પલ અને સાયકલ કેનલ નજીક પડ્યા હતા. વિદ્યાર્થી કેનાલમાં પગ ધોવા કે મોઢું ધોવા ઉતર્યો હોય અને પગ લપસી પડતા તે ડૂબ્યો હોય જેના કારણે તેનું મોત થયું હશે તેવું પણ ચર્ચા રહ્યું છે. જોકે આ મામલે પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે.