- જિલ્લામાં ધોરણ 9 અને 11ના વર્ગખંડો શરૂ થયા
- શૈક્ષણિક સંકૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી
- વિદ્યાર્થીઓએ 2020ના વર્ષ બાદ વર્ગખંડમાં કર્યો અભ્યાસ
- વિદ્યાર્થીઓને સ્કેનિંગ કરી આપવામાં આવ્યો પ્રવેશ
પાટણઃ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા અગાઉ ધોરણ-10 અને 12ના વર્ગખંડો શરૂ કરવાની શાળાઓને મંજૂરી આપી હતી. જેથી હાલમાં શૈક્ષણિક સંકૂલોમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ વર્ગખંડોમા અભ્યાસ શરૂ કર્યો છે, ત્યારે ફરી એક વખત સરકારે છેલ્લા અગિયાર મહિનાથી બંધ પડેલા ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે શાળાઓને સૂચનાઓ આપતા સોમવારે પાટણ શહેર સહિત જિલ્લામાં ધોરણ 9 અને 11ના વર્ગ ખંડો શરૂ થયા છે. પાટણ જિલ્લામાં ધોરણ 9ના 20,721 અને ધોરણ 11ના 9.,901 મળી કુલ 30,622 વિદ્યાર્થીઓ પૈકી 30 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સાથે સોમવારથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. પાટણની બીડી સાર્વજનિક વિદ્યાલયમાં શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કેનિંગ કરી, સેનિટાઈઝ કરાવી માસ્ક આપી પ્રવેશ આપ્યો હતો અને વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.
વર્ગખંડમાં અભ્યાસ શરૂ થતાં વિદ્યાર્થીઓ બનશે તણાવમુક્ત
ધોરણ 9 અને 11ના વર્ગખંડો શરૂ થતાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, ગત 11 મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ હતું . જેથી આ સમય દરમિયાન ઓફલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું, પરંતુ તેમાં શિક્ષકો સાથે રૂબરૂ અભ્યાસ અંગેની ચર્ચાઓ થઈ શકતી નહોતી. જેના કારણે માનસિક તણાવ અનુભવતા હતા અને અમુક પ્રશ્નો અને દાખલાઓમાં વિસંગતતા ઉભી થતી હતી, ત્યારે હવે વર્ગખંડો શરૂ થતાં શિક્ષકોની હાજરીમાં અભ્યાસક્રમ ચાલશે અને વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ પણ મેળવી શકાશે.
અગાઉ ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થયા હતા
પાટણ શહેર સહિત જિલ્લામાં મહિનાઓથી બંધ રહેલું શૈક્ષણિક કાર્ય હવે તબક્કાવાર શરૂ થઈ રહ્યું છે. આ અગાઉ ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થયા બાદ સોમવારથી ધોરણ 9 અને 11ના વર્ગો પણ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.