પાટણ: સિદ્ધપુરના પ્રસિદ્ધ માતૃગયા તીર્થ ખાતે માતૃઋણમાંથી મુક્ત થવા પુરાતન કાળથી ભગવાન પરશુરામથી લઇને વર્તમાન સમયમાં અનેક રાજકીય આગેવાનો, ફિલ્મસ્ટારો, વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ સામાન્ય લોકોએ પણ બિંદુ સરોવરમાં આવી માતૃતર્પણ કરી ઋણમુક્ત બન્યાનો અહેસાસ કર્યો છે.
સરસ્વતી નદીના તટ પર વસેલી ઐતિહાસિક નગરી સિધ્ધપુર સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નગરીનું જેટલું માહાત્મય છે તેટલુ જ મહત્વ તેમાં આવેલા બિંદુ સરોવર પણ ધરાવે છે.
ભાદરવા મહિનામાં શ્રાદ્ધપક્ષમાં દૂરદૂરથી અનેક શ્રદ્ધાળુઓ બિંદુ સરોવરમાં પિંડદાન કરવા આવે છે. એકસાથે પવિત્ર મંત્રોચ્ચાર કરી યજમાનોને વિધિ કરાવતા ગોર મહારાજો દ્વારા સમગ્ર તીર્થધામમાં અલૌકિક વાતાવરણ સર્જાય છે. ભગવાન પરશુરામે પણ તેમની માતાનું તર્પણ આ પવિત્ર ભૂમિ પર કર્યું હતું.
આ ઉપરાંત ભક્ત કવિ નરસિંહ મહેતા.ગાંધીપરિવાર, નેહરુ પરિવારના સભ્યો,સરદાર પટેલ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન, પૂર્વ વડાપ્રધાન દેવગૌડા સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુઓ, રામાનુજ સંપ્રદાયના સંતો, સહિત વિવિધ સંપ્રદાયોના સંતો-મહંતો, ઉદ્યોગપતિઓ તેમજ અનેક સેલિબ્રિટીઓ એ આ પવિત્ર ભૂમિ પર આવી માતૃતર્પણમાંથી મુક્ત થવા તર્પણ વિધિ કરી છે.
બિંદુ સરોવરમાં તર્પણ વિધિ માટે આવતા શ્રધ્ધાળુઓના વંશાવલીઓના ચોપડા આજે પણ ગોર મંડળ પાસે સચવાયેલા છે. શાસ્ત્રો અનુસાર સિધ્ધપુર માતૃશ્રાધ માટેનું ઉત્તમ સ્થળ છે.
માન્યતા છે કે અહીં માતાનું શ્રાધ કરનાર વ્યકતિ માતૃ ઋણમાંથી મુક્તિ મેળવે છે અને પરમ શાંતિ અનુભવે છે. શ્રદ્ધાળુઓ બિંદુ સરોવરની આસપાસ આવેલા ભગવાન કપિલ મુનિ,મહર્ષિ કર્દમ,માતા દેવહુતિ, ભગવાન ગયા ગજાધરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
- પાટણથી ભાવેશ ભોજકનો વિશેષ અહેવાલ.