- તહેવારો ઉજવવા પાટણના લોકોમાં અનેરો ઉત્સાહ
- પાટણમાં ભક્તિભાવપૂર્વક શીતળા સાતમની ઉજવણી
- મંદિરોમાં દર્શન માટે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી
પાટણ: પવિત્ર શ્રાવણ માસ એટલે તહેવારોનો મહીનો. આ મહિનામાં આવતા જન્માષ્ટમી પર્વનું અનેરૂ મહત્વ છે. છેલ્લા બે વર્ષથી વૈશ્વિક કોરોના મહામારીને કારણે તહેવારો નિરુત્સાહી બન્યા હતા. આ વર્ષે કેસ ઘટતાં સરકારે તહેવારો માટે કેટલીક છૂટછાટો આપતા પ્રજામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રવિવારે શીતળા સાતમના પર્વને લઇને પાટણમા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના છીંડિયા દરવાજા બહાર આવેલા અતિ પ્રાચીન શીતળા માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ દર્શન કર્યા હતા. તો કેટલીક મહિલાઓએ બાળકોના આરોગ્યની સુખાકારી માટે માતાજીના મંદિર પરિસરમાં પાણી ભરેલી માટલી મૂકી બાળકોના તંદુરસ્ત સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત શહેરના ખોખરવાડા વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો: પાટણમાં ભક્તિભાવપૂર્વક શીતળા સાતમની ઉજવણી કરાઈ
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો જોવા મળ્યો અભાવ
કોરોના મહામારી હળવી થતાં સરકાર દ્વારા અપાયેલી છૂટછાટનો દુરુપયોગ પાટણમાં થયો હોય તેવા દ્રશ્યો રવિવારે સામે આવ્યા હતા. શીતળા સાતમ પર્વને લઇને મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ દર્શન માટે ઉમટી હતી. જેમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો હતો. જેને લઇ સરકારની ગાઇડલાઇનનો ભંગ થયો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાયો શીતળા સાતમનો તહેવાર