- ભગવાન પદ્મનાભના સપ્ત રાત્રી મેળાને લાગ્યું કોરોનાનું ગ્રહણ
- મદદનીશ કલેકટરે મેળો બંધ રાખવા ટ્રસ્ટીઓને કર્યો પરિપત્ર
- મંદિરના ટ્રસ્ટીઓએ મેળો બંધ રાખવાનો કર્યો નિર્ણય
- શ્રધ્ધાળુઓમાં જોવા મળી નિરાશા
પાટણઃ જિલ્લામાં ભગવાન શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે તારીખ 29 /11 થી તારિખ 5 /12 સુધી આયોજિત કરવામાં આવેલો સપ્ત રાત્રી મેળો ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા બંધ રાખવા મંદિરના ટ્રસ્ટીઓને લેખિતમાં પરિપત્ર કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પદ્મનાભ ભગવાનના ભક્તો સહિત સમાજના લોકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે સપ્ત રાત્રી મેળો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
કોરોના મહામારીને લઈ મેળો રદ
કોરોના મહામારીને લઇ પદ્મનાભ ભગવાનના સપ્ત રાત્રી મેળાની વર્ષો જૂની પરંપરા ચાલુ વર્ષે તૂટશે. આ મેળામાં પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજના લોકો બહાર ગામથી મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, ત્યારે આ વર્ષે મેળો નહીં યોજાતા શ્રધ્ધાળુઓમાં નિરાશાની લાગણી જોવા મળી છે.
ધાર્મિક કાર્યક્રમો યોજવા બાબતે આગામી સમયમાં નિર્ણય લેવાશે
પદ્મનાભ ભગવાનના રાત્રીનો મેળો ચાલુ વર્ષે બંધ રાખવામાં આવ્યો છે. દર વર્ષે મેળા દરમિયાન મંદિર પરિસર ખાતે યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજવા બાબતે આગામી દિવસોમાં મંદિરના ટ્રસ્ટીઓની બેઠક મળશે અને તેમાં દર્શન, રવાડી સહિતના કાર્યક્રમો માટેનું આયોજન કરવામાં આવશે.
જિલ્લામાં બે મેળાઓને નડ્યું કોરોનાનું ગ્રહણ
સિદ્ધપુરના કાત્યોકના મેળા બાદ પાટણના પ્રસિદ્ધ પદ્મનાથ ભગવાનનો રાત્રી મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે. જેને લઇ પાટણ જિલ્લામાં ઉજવાતા મોટા બે ઉત્સવોને કોરોનાનું ગ્રહણ નડ્યું છે.