પાટણ: જિલ્લામાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાટણમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કાયમ સૂકી ભઠ્ઠ રહેતી સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાં 600 ક્યૂસેક પાણીની આવક થઇ છે. પાણીની આવક અવિરત પણે ચાલુ હોવાથી ઓવરફલો થવાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
![saraswati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-newwatercameinsaraswatiriver-video-vo-ptoc-7204891_25082020161120_2508f_01780_988.jpg)
પાટણમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં રાજ્યમાં થયેલા ભારે વરસાદને પગલે સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવેલા વધારાના પાણી પૈકી પાટણ તાલુકાના હાજીપુર પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલના એસ્કેપમાંથી તેમજ મોયણી અને ઉમરદશી નદીનું વધારાનું પાણી સરસ્વતી ડેમમાંથી છોડવામાં આવ્યું છે.
- પાટણમાં સરસ્વતી નદી બે કાંઠે
- સરસ્વતી ડેમમાં 275.30 ફૂટ સુધી પાણી ભરાયું
- નિચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરાયું
સરસ્વતી ડેમમાં 275.30 ફૂટ સપાટી સુધી પાણી ભરાયું છે. ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જો લેવલ 277 સુધી આવશે, ત્યારે પાણી નદીમાં છોડવામાં આવશે. સરસ્વતી ડેમની લંબાઈ 297 મીટર છે અને 28 દરવાજા છે. વર્ષ 2015 અને 2017માં સરસ્વતી જળાશયમાં પાણીની આવક થતાં જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ ઉપરવાસમાં વરસાદને કારણે સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ છે.
![saraswati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-newwatercameinsaraswatiriver-video-vo-ptoc-7204891_25082020161120_2508f_01780_59.jpg)
સરસ્વતી નદી બે કાંઠે વહેતા લોકો પણ નદીમાં આવેલા પાણીને જોવા માટે મોટી સંખ્યામાં ડેમ ખાતે ઉમટી પડ્યા હતા. આ નયન રમ્ય નજારો નિહાળી લોકો સેલ્ફી પણ લઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર કરી છે.