- પાટણમાં RTE હેઠળ ધોરણ-1ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ
- જિલ્લાની 772 બેઠકો સામે કુલ 2, 214 ફોર્મ ભરાયા
- 13 જુલાઈ સુધી ફોર્મ ચકાસણીની કાર્યવાહી ચાલશે
પાટણ: રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ(Right To Education Act) જિલ્લામાં ધોરણ-1માં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થઇ છે. જિલ્લામાં 107 ખાનગી પ્રાથમિક શાળાઓની 772 બેઠકો સામે કુલ 2 હજાર 214 ફોર્મ ભરાયા છે. કોરોના મહામારીને કારણે પ્રજાની કથળેલી આર્થિક સ્થિતિને કારણે આ વર્ષે પાટણ જિલ્લામાં બેઠકો કરતાં ત્રણ ગણા વધુ ફોર્મ ભરાયા છે. જેના કારણે પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી જટિલ બનશે.
પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી બનશે જટિલ
સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટેની યોજના કાર્યરત કરવામાં આવી છે. જે અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષમાં પાટણ જિલ્લાની 107 શાળાઓને 772 બેઠકો ફાળવવામાં આવી છે. જે માટે 25 જૂન થી જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન 2 હજાર 214 ફોર્મ ભરાયા છે.
આ પણ વાંચો: RTE Admission: વડોદરામાં RTEની 3,800 માટે 7,936 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા
બેઠકો નહીં ભરાય તો બીજી અને ત્રીજી યાદી પ્રસિદ્ધ કરાશે
6 જુલાઈથી 13 જુલાઈ સુધી ફોર્મ ચકાસણીની કાર્યવાહી ચાલશે. આજ સુધીમાં 487 ફોર્મની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. તમામ ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ 15મી જુલાઈએ પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે અને બેઠકો નહીં ભરાય તો બીજી અને ત્રીજી યાદી પ્રસિઘ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો: કોઈપણ શાળામાં પ્રવેશ મેળવવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત - જૂનાગઢ જિલ્લા શિક્ષણ વિભાગની સ્પષ્ટતા