- પાટણ જિલ્લામાં કોંગ્રેસમાં નારાજગી નો દોર યથાવત
- કોંગ્રેસમાં પ્રદેશ અને જિલ્લા પ્રમુખથી નારાજ 6 જેટલા પ્રમુખોનું રાજીનામુ
- જિલ્લા પ્રમુખ દ્વારા અવગણના તેમજ પાર્ટીના કોઈ કાર્યકમમાં માન ન મળતા નારાજગી
પાટણ : કોંગ્રેસમાં છાશવારે કાર્યકરોની અવગણના થતી હોવાને લઈને કેટલાક કાર્યકરોએ ભૂતકાળમાં પણ રાજીનામા આપ્યા હતા, ત્યારે આજે શનિવારે વધુ 6 જેટલા પાર્ટીના વિવિધ મોરચા અને વિભાગના પ્રમુખોએ રાજીનામા આપ્યા છે. જેમાં પાટણ જિલ્લા સેવાદળના પ્રમુખ વિનોદ ઠાકોર, યંગ બ્રિગેડના પ્રમુખ અમિત પ્રજાપતિ, લીગલ સેલના ચેરમેન યુનુસ મન્સૂરી, મહિલા કાર્યકારી પ્રમુખ ભૂમિકા પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ શૈલેષ રબારી, સેવાદળ મહિલા મુખ્ય સંગઠક દીપીકા પટેલે જિલ્લા પ્રમુખ દ્વારા સતત અવગણના કરાતી હોવાનો ઉલ્લેખ કરી શુક્રવારે રાજીનામા ધરી દીધા છે.
અમિત ચાવડાની પણ કરાઈ હતી રજૂઆત
કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલા રાજીનામા અગાઉ તેઓએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પણ મુલાકાત કરી આ સંદર્ભે રજૂઆત કરી હતી, જેમાં અઠવાડિયામાં આ બાબતનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, છતાં નિવેડો ન આવતા વિવિધ મોરચા અને વિભાગના 6 જેટલા પ્રમુખોએ એકસાથે રાજીનામા ધરી દેતા પાટણ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.
પક્ષ દરેક કાર્યકર મારા માટે સન્માનીય છે: જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર
રાજીનામા બાબતે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી રાજીનામાની જાણ થઈ છે. જોકે હું આવતીકાલે પ્રદેશ પ્રમુખને મળીને આ બાબતે યોગ્ય નિરાકરણ લાવીશ. વધુમાં તેઓએ જણાવ્યું કે, પક્ષનો દરેક કાર્યકર મારા માટે સન્માનનીય છે અને ઘીના ઠામમાં ઘી ઢળી જશે.