પાટણ : શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાંની સાથે જ ભારે પવનો સાથે સામાન્ય વરસાદમાં વીજ સપ્લાય બંધ થઈ જવાની મોટી સમસ્યા સર્જાય છે. ધોધમાર વરસાદમાં વીજ ડીપી નજીક અને વીજ વાયર પરથી પસાર થતાં વૃક્ષોની ડાળીઓ વીજ વાયરો પર ધરાશાયી થવાને કારણે સમગ્ર શહેરમાં વીજળી સપ્લાય બંધ થઈ જાય છે. જેને કારણે નગરજનોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે. ચોમાસામાં વરસાદમાં પણ શહેરીજનોને વીજ પુરવઠો મળી રહે તે બાબતોને ધ્યાને લઇ પાટણ ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા શહેરમાં ઝોન વાઇઝ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાટણ સીટી વનમાં આવેલા વીજ થાંભલાઓના વાયરો પરથી પસાર થતા વૃક્ષોની ડાળીઓ તેમજ ડીપીની આસપાસના વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ઝૂલતા વીજ વાયરોને ખેંચવામાં આવ્યા હતા. પાટણ સીટી વન વિસ્તારમાં મેન્ટેનન્સની કામગીરીમાં યુજીવીસીએલ દ્વારા અલગ અલગ 20 કર્મચારીઓની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે.