પાટણ: અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલ મંત્રાલય દ્વારા 1309 રેલ્વે સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે. જેમાંથી અત્યારે 508 રેલ્વે સ્ટેશનનું શિલાન્યાસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના 21 જેટલા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કરવામાં આવશે. જેમાં પાટણ રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવ્યો છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ હશે: પાટણ રેલવે સ્ટેશનનું લગભગ રૂપિયા 32 કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમૃત ભારત રેલવે સ્ટેશનમાં લાઇટિંગ, પાર્કિંગ, વિકલાંગોને અનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ હોય એ રીતે બનાવવામાં આવશે.

" મારા બે સ્વપ્ન હતા તારંગ અંબાજી રેલવે લાઈન અને બીજું સ્વપ્ન પાટણ હેરિટેજ સ્ટેશન બને. આજે ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વપ્ન પૂર્ણ કર્યુ છે. ત્યારે આજે ૩૨ કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન થઈ રહ્યું છે. " - ભરતસિંહ સોલંકી, સાંસદ, પાટણ
" સમયની માંગ સાથે 21મી સદીમાં બનતા રેલ્વે સ્ટેશનો અનેક લોકઉપયોગી સુવિધાઓથી સભર બનશે. જેમાં એસ્કેલેટરની, મફત વાઈ ફાઈની સુવિધા વગેરેની પહેલ કરવામાં આવી રહી છે. આ ભવ્ય રેલ્વે સ્ટેશનથી આર્થિક ગતિવિધિને વેગ મળશે. પાટણ ભીલડી રેલવે લાઇનને દિલ્લી સાથે જોડતા હવે ઉદ્યોગોનો વિકાસ થશે. અમૂર્ત ભારત યોજનાના લાભો પાટણને મળશે. જેના લીધે પાટણ શહેરમાં વિકાસને વેગ મળશે. આસપાસના શહેરોને લાભ મળશે તેઓ પણ પરસપર જોડાશે. પર્યટકો માટેની કનેક્ટિવિટી અને યાત્રીઓનો સફર આસાન બનશે."- બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ પ્રધાન