રાધનપુર: લગ્ન સમયે એકબીજાનો સાથ છેલ્લા શ્વાસ સુધી આપવા માટે યુગલ એકબીજાને પ્રોમીસ આપતા હોય છે. પણ જન્મ અને મૃત્યુ એ કોઈના હાથમાં હોતા નથી. લાગણીમાં ભીંજાઈને પાટણ જિલ્લાના રાધનપુરમાં એક પતિએ પત્ની પાછળ સમાધિ લઈ લેવા હઠ પકડી હતી. જેમાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, સ્વજનો અને પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ મામલો ઉકેલાયો. પણ સમાધિની વાત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની.
સમાધિની ચર્ચા ચારેય બાજુઃ રાધનપુર શહેરમાં રહેતા જીવાભાઇ જગશીભાઈ વાવરીયાની પત્ની રૂખીબેનનું 75 વર્ષની ઉંમરે સોમવારે મૃત્યુ થયું હતું. જેથી પત્ની સાથે જીવવા મરવાના કોલ પૂરા કરવા માટે પતિએ પણ તેની સાથે જ સમાધિ લેવા મન મક્કમ કરી લીધુ. સમાધિ લેવાની તૈયારીઓ કરી હતી. જેને પગલે સમાજ અને પંથકમાં ભારે ચકચાર મચી હતી.
ભગવાને મંજૂરી આપીઃ સમાધિ લેનારા જીવાભાઈએ જણાવ્યું હતું કે, મેં મારી પત્નીને સાથે જીવવા મરવાના કોલ આપ્યા હતા. મારી પત્નીનું મૃત્યુ થયું છે. તેથી તેની સાથેનો કોલ પૂરા કરવા માટે મારે સમાધિ લેવાની છે. આ માટે ભગવાને પણ મને મંજૂરી આપી છે. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા રાધનપુર પીઆઇ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ગામ ભેગું કર્યુંઃ જીવાભાઇને સમાધિ ન લેવા માટે સમજાવવાનો પ્રયત્ન પરિવારજનો અને પોલીસે કર્યો હતો. પત્નીના મૃત્યુ બાદ પતિએ પણ જીવિત સમાધિ લેવાની વાત સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી હતી. તેથી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પોલીસે સમયસર પહોંચીને સમાજના માણસોને સાથે રાખી જીવાભાઇને જીવિત સમાધિ ન લેવા માટે સમજાવી લીધા હતા. તેથી આ મામલો થાળે પડયો હતો. આ મામલે પોલીસે પણ ફોડ પાડ્યો છે.
સમાધિ લેવાની વાતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક વૃદ્ધ પતિના ઘરે પહોંચી હતી. તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેઓ પોતાની જીદ ઉપર અડગ રહેતા પોલીસે નાછૂટકે તેઓની અટક કરી પોલીસ સ્ટેશનમાં અમે એમને લાવ્યા હતા. જ્યાં કલાકોની સમજાવટ બાદ તેઓને જામીન પર મુક્ત કરી દીધા---પી.કે.પટેલ (રાધનપુર PI)
આખરે જીદ છોડીઃ પાણીમાં લીલ જામે એવી રીતે પતિના દિમાગમાં જીદ જામી ગઈ હતી. પોલીસની સમજાવટ છતાં જીવાભાઈ પોતાની વાત પર મક્કમ રહેતા મામલો ગરમાયો હતો. જોકે, પરિવારજનો અને પોલીસના પ્રયાસો બાદ આખરે તેમણે જીદ છોડી અને સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવવાનું પસંદ કર્યું હતું. પણ આ મામલો સામે આવાત છેક પાટણ જિલ્લા સુધી સમગ્ર ઘટનાની વાતો થઈ રહી છે.