પાટણ: ખાતરની આડમાં લઈ જવાતો 11 લાખના વિદેશી દારૂને રાધનપુર પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબથી ટ્રેલરમાં વિદેશી દારૂ ભરી રાજકોટ લઈ જવામાં આવતો હોવાની ચોક્કસ વાતની રાધનપુર પોલીસને બાતમી મળતા પોલીસ સ્ટાફ દ્વારા રાધનપુર વારાહી હાઇવે પર આવેલા મોટી પીપળી ગામના પાટિયા નજીક નાકાબંધી કરી હતી. દરમ્યાન બાતમી આધારિત ટેલર આવતા પોલીસ દ્વારા ટેલર રોકાવી ચાલકની પૂછતાછ કરતા યોગ્ય જવાબ ના મળતા પોલીસ દ્વારા ટેલરના પાછળના ભાગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાછળના ભાગે ડી.ઓ.સી.ખાતરની બોરીઓ જોવા મળી હતી.
'પોલીસે બાતમીના આધારે ખાતરની આડમાં જઈ રહેલા વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો છે. આ જથ્થો રાજકોટમાં કોના ત્યાં ઉતારવાનો હતો તે અને કોને-કોને આપવાનો હતો તે બાબતને લઈને બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા રાજકોટ ખાતે જઈને તપાસ કરવામાં આવશે.' -પી.કે પટેલ, પી.આઈ, રાધનપુર
મુદ્દામાલ જપ્ત: પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવતા ખાતરની થેલીઓ નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રેલર ચાલક શ્યામલાલ શંકરલાલ મિણા તથા નંદનાથ ઉર્ફે દુર્ગેશ રામ સુખનાથ યોગી બંનેની ધરપકડ કરી ટ્રેલરને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ગાડીમાંથી ડી.ઓ.સી.ખાતરની થેલીઓ નીચેથી અલગ અલગ કંપનીની વિદેશી દારૂની 256 પેટી જેમાં 3024 વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા 11,74,000 નો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 3,17,4000 ના મુદ્દા માલ સાથે શામલાલ શંકરલાલ મીણા તેમજ નંદનાથ રામસુખજી યોગી સામે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.