- હોસ્પિટલ કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી
- હોસ્પિટલના તમામ બેડ ફુલ થતાં દર્દીઓને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી
- દર્દીના પરિવારજનો મુકાયા ચિંતામાં
પાટણ: કોરોનાની બીજી લહેર અતિઘાતક સાબિત થઇ રહી છે અને રોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વધી રહેલા કોરોના કેસો સામે પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. ત્યારે ETV ભારત દ્વારા ધારપુર Covid હોસ્પિટલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે વિશાળ જમીનમાં પથરાયેલી ધારપુર સિવિલ હોસ્પિટલમાં બનાવેલી Covid-19 સ્પેશિયલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી અહીંના 250 જેટલા તમામ બેડ ભરાઈ ગયા હોવાથી અન્ય દર્દીઓને સમાવવાની ક્ષમતા રહી નથી. કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવાથી અહીં બેડ ઉપરાંત ઓક્સિજનનો વપરાશ પણ વધ્યો છે. ધારપુર હોસ્પિટલમાં તમામ બેડ દર્દીઓથી ભરાઈ જતાં શુક્રવારે હોસ્પિટલ બહાર 108 સહિત અન્ય ખાનગી વાહનોની લાંબી કતારો લાગી હતી અને 100થી વધુ દર્દીઓનુ વેઈટિંગ લિસ્ટ બન્યું હતું. અને દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર માટે કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે દર્દીના સગાઓ પોતાના દર્દીનો વારો ક્યારે આવશે અને તે બચશે કે નહીં તેની ચિંતામાં મુકાયા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં વહેલી સવારથી જોવા મળી એમ્બ્યુલન્સની લાંબી કતાર
જિલ્લામાં ઓક્સિજન સાથેના બેડ વધારવામાં સરકારી તંત્ર વામણું સાબિત થયું
જિલ્લામાં કોરોનાના રૌદ્ર સ્વરૂપને લઇ સરેરાશ 10 જેટલા દર્દીઓના મોત થઈ રહ્યા છે. જેમાં શુક્રવારે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાંચ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહ પ્લાસ્ટિકમા સીલ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ પાટણ જિલ્લામાં ઓક્સિજન સાથેના બેડ વધારવામાં સરકારી તંત્ર વામણું સાબિત થયું છે.