ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત દરેક જિલ્લામાં ઘરે ઘરે શૌચાલયો બનાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત પાટણના સ્લમ વિસ્તારોમાં પણ શૌચાલયો બનાવાયા છે, પણ આ કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચાકને કારણે આજે પણ કેટલાક પરિવારો ખુલ્લામાં શૌચક્રિયા કરવા જાય છે. ત્યારે શહેરના ખલકપરા વિસ્તારમા વર્ષો પહેલા નગરપાલિકા લોકોના ઉપયોગ માટે 19 જેટલા જાહેર શૌચાલયો બનાવ્યા હતા. જે શૌચાલયો છેલ્લા કેટલાય સમયથી જર્જરિત અને બિનઉપયોગી હોવાથી આ વિસ્તારમાં ભારે ગંદકી ફેલાતા વોર્ડ ઇન્સ્પેકટરના રિપોર્ટના આધાર આજે નગરપાલિકાએ આ શૌચાલયોને તોડી પાડ્યા હતા. જેથી આ વિસ્તારના લોકોમાં પાલિકાની આ કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો.
શૌચાલયો તોડી પાડવા મામલે રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું નગરપાલિકા ખાતે ધસી આવ્યું હતું. જ્યાં તેમણે પાલિકા પ્રમુખની ઓફિસમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને પ્રમુખને આ વિસ્તારમાં શૌચાલયો બનાવી આપવાની માગ કરી હતી.