પાટણ: નાયબ મુખ્યુપ્રધાનના આગમન પહેલાં પાટણ શહેરના પદ્મનાથ મંદિર પાસે કેનાલ પરના ત્રણથી ચાર જેટલા દબાણો વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની નોટીસ વગર દૂર કરવામાં આવ્યા છે.
પાટણ શહેરમાં કોઈ ઈન્ડસ્ટ્રી કે જીઆઇડીસી ન હોવાને કારણે અહીં કોઈ મોટા ધંધા નથી. આથી ગરીબ પરિવારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શહેરના વિવિધ માર્ગો અને હાઈવે પર ખુલ્લી જગ્યામાં લારી-ગલ્લા મૂકી રોજગારી મેળવી રહ્યા છે. રવિવારે પાટણમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ શહેરમાં વિવિધ કામોના લોકાર્પણ કરવા માટે આવવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા પદ્મનાથ ચાર રસ્તા પર આવેલી કેનાલ પરના વર્ષો જૂના ત્રણથી ચાર જેટલા લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી લારી ગલ્લાના દબાણો દૂર કરતા લોકોએ જણાવ્યું કે, પદ્મનાભ મંદિર તરફનો માર્ગ બિસ્માર હતો, તે રીપેર કરવા તંત્રને અનેક રજૂઆતો કરી હતી. છતાં રોડનું કામ કરવામાં આવ્યું ન હતું. ત્યારે નાયબ મુખ્યપ્રધાન પાટણમાં આવવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ માર્ગનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે.