પાટણ નગરપાલિકા દ્વારા અવાર નવાર હાથ ધરવામાં આવતી દબાણ હટાવ કામગીરીને લઈને પાટણમાં શહેરમાં લારી ગલ્લા તેમજ શાકભાજીનો વેપારધંધો કરતા નાના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈપણ નક્કર આયોજન વગર જ કરવામાં આવતી દબાણ હટાવવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાટણ નગરપાલિકા દ્વારા દબાણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના સીટી પોઇન્ટ આગળ શાકભાજીની લારીઓ નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવતા લારીચાલકોએ વિરોધ દર્શાવી શાકભાજી રસ્તા ઉપર ફેંકી શાકભાજીના ભરવાના ખાલી કેરેટ સળગાવી ચક્કાજામ કર્યું હતું. તેમજ લારીચાલકો નગરપાલિકાના વાહન ઉપર ચડી હલ્લાબોલ કર્યો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોચી ટોળા અને ટ્રાફિકને દૂર કરી માર્ગને ખુલ્લો કર્યો હતો.