પાટણ: સિદ્ધપુર નગરપાલિકાના બીજા અઢી વર્ષના શાસન માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના મેન્ડેડ રજૂ કર્યા બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા વિપક્ષ દ્વારા એક પણ ઉમેદવાર ઉભો ન રાખતા સત્તાધારી પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા.
પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી: સિધ્ધપુરમાં પ્રથમ અઢી વર્ષની પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે મંગળવારે નગરપાલિકા હોલ ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં સિધ્ધપુર શહેર પ્રભારી દાદુજી ચાવડા, પૂર્વ જિલ્લા મંત્રી વીરેશ વ્યાસે પ્રમુખ અને ઉપ-પ્રમુખ માટેના મેન્ડેડ ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યા બાદ વિધિવત રીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયા બિનહરીફ બની: વિપક્ષે કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરતા ચૂંટણી પ્રક્રિયા બિનહરીફ બની હતી. ચૂંટણી અધિકારીએ સત્તાધારી ભાજપ પક્ષના અનિતાબેન પટેલને પ્રમુખ તરીકે અને સોનલબેન ઠાકરને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરતાં તેઓના શુભેચ્છકો અને સમર્થકોમાં આનંદ છવાયો હતો. ભાજપના આગેવાનો-કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
મહિલાઓને અઢી વર્ષ માટેનું સુકાન: પ્રમુખ અને ઉપ-પ્રમુખની વરણી થયા બાદ પાર્ટી દ્વારા પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે રશ્મિન દવે, પક્ષના દંડક તરીકે રાજુજી ઠાકોર અને પક્ષના નેતા તરીકે સરોજબેન મોદીની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. સિધ્ધપુર નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટેનું સુકાન બંને મહિલાઓને સોંપવામાં આવ્યું છે. ત્યારે આ બંને મહિલાઓ અનિતા બેન પટેલ અને સોનલબેન ઠાકર સિદ્ધપુરના અધૂરા રહેલા વિકાસ કામો અને શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓને પરિપૂર્ણ કરવા દરેક સભ્યોને સાથે રાખીને કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.