- યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાની ઓનલાઇન ચાલુ થયો પ્રારંભ
- પ્રથમ તબક્કામાં 17 પરીક્ષાઓ ઓનલાઈન યોજાઇ
- પરીક્ષા દરમિયાન કોઈ ટેકનિકલ ખામી કે ક્ષતિ ન સર્જાઈ
પાટણ : કોરોના મહામારીના સમયમાં સરકારની સૂચના અનુસાર કોલેજ કક્ષાની ઓક્ટોબર અને ડિસેમ્બર માસમાં લેવાનારી તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં કોરોના સંક્રમણ નિયંત્રિત થતા સ્થગિત કરાયેલી અને બાકી રહેલી પરીક્ષાઓ ઓનલાઇન લેવાનો શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જેને અનુસંધાને પાટણ યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની કોલેજોમાં મંગળવારથી ઓક્ટોબર - ડિસેમ્બરની સ્થગિત કરાયેલી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સેમ 1ના અભ્યાસક્રમોની પ્રથમ તબકકાની ઓનલાઇન પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામી સર્જાઈ નહોતી
આ ઓનલાઈન પરીક્ષાઓમાં B.Sc., B.Com, B.B.A અને અનુસ્નાતક કક્ષામાં B.Ed., M.Sc., આર્કીટેક્ચર, બી.એ.બી.એડ. , પી.જી.ડી.સી.વાય.એડ. સેમ -1 અને બી.એસ.સી.બી.એ. સેમ-5 ની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ શરુ કરવામાં આવી છે. પ્રથમ તબકકામાં શરુ થયેલી ઓનલાઇન પરીક્ષામાં કોઇપણ જાતની ટેક્નીકલ ખામી કે ક્ષતિ સર્જાઇ ન હોવાનું પરીક્ષા નિયામક મીતુલ દેલીયાએ જણાવ્યું છે.
19 જૂનથી બીજા તબક્કાની પરીક્ષા યોજાશે
આગામી 19 જૂનથી બીજા તબક્કાની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની 25 પરીક્ષાઓ ઓનલાઇન યોજાશે. ઓનલાઈન પરીક્ષાના વિદ્યાર્થીઓએ પરીક્ષાના સમયે જ લોગીન થવાનું રહેશે અને અન્ય પરીક્ષાના સમયે લોગીન થશે તો આગામી પેપરના સમયે લોગીન થવામાં મુશ્કેલીઓ આવી શકશે . નોંધનીય છે કે, સ્થગિત કરાયેલી અને બાકી રહેલી ઓનલાઇન પરીક્ષાઓના પરીણામો ઝડપથી મળી રહે તેવી યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.