પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જમીન સંપાદન કેસમાં વળતરના મામલે કોર્ટના જંગમ મિલકત જપ્ત આદેશ બાદ યુનિવર્સિટી દ્વારા અદાલતમાં ચેક જમા કરાવવામાં આવ્યો હતો. તેમાં ગણતરીમાં રકમ વધુ અંદાજાઈ હોય યુનિવર્સિટી હાઇકોર્ટમાં ગઈ હતી. જેમાં પાર્ટીને નાણાંનું ચુકવણું નહીં કરવા બાબતે હાઇકોર્ટે સ્ટે આપતા આ સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે.
મિલકત જપ્ત વોરંટ મામલે યુનિવર્સિટીમાં નવો વળાંક : યુનિવર્સિટીની સ્થાપનાના સમયે જે તે સમયે જમીન સંપાદન બાબતે હસ્તગત કરાયેલ મિલકતનું યોગ્ય વળતર ન મળતા નાંદોલીયા પરિવાર દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. નાંદોલીયા પરિવાર દ્વારા 35 વર્ષથી કાનૂની લડત લડી ₹3.28 કરોડની રકમ મેળવવામાં આવી હતી. તે બાદ બાકી રહેલ વ્યાજની રકમની ગણતરી કરી રૂપિયા 11.54 કરોડ ચુકવણું કાઢ્યું હતું. આ રકમ મેળવવા ફરી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો.
21 ડિસેમ્બરે મિલકત જપ્તીનું વોરંટ નીકળ્યું જેમાંં કોર્ટે વ્યાજ સહિત રકમનું ચુકવણું કરવા હુકમ કર્યો હતો અને આ હુકમ અંતર્ગત એક મહિનામાં ચૂકવણું ન થતા ગત 21 ડિસેમ્બરે મિલકત જપ્તીનું વોરંટ કાઢ્યું હતું. આ વોરંટ રદ કરાવવા યુનિવર્સિટી દ્વારા રૂપિયા 11, 54,16,706 નો ચેક કોર્ટમાં જમા કરાવતા વોરંટ ટાળ્યું હતું. તો બીજી તરફ યુનિવર્સિટીને ખેડૂતે કોર્ટમાં રજૂ કરેલ રકમ ઘણી વધારે જણાતા તપાસ કરી હતી. તેમાં ખેડૂત દ્વારા કોર્ટમાં ખોટી ગણતરી કરીને રજૂ કરાઈ હોવાનું જાણવા મળતા યુનિવર્સિટી દ્વારા ચુકવણું અટકાવવા હાઇકોર્ટમા પિટિશન દાખલ કરવામાં આવી હતી. યુનિવર્સિટીની અરજીના આધારે હાઇકોર્ટ દ્વારા ખોટું ચુકવણું ન થાય અને ખેડૂતને મળવાપાત્ર વળતર જ મળે તે બાબતે યોગ્ય પુરાવા તપસ્યા બાદ જ નિર્ણય લેવા માટે 15 જાન્યુઆરીની મુદત આપી હતી અને યુનિવર્સિટીએ કોર્ટમાં જમા કરાવેલ ચેકમાંથી હાલ ખેડૂતને નાણાનું ચુકવણું ન કરવા સ્ટે આપ્યો છે.
ખેડૂતે એકતરફી જ ગણતરી રજૂ કર્યાની આશંકા : યુનિવર્સિટીના કુલપતિ આર.એન.દેસાઈએ જણાવ્યું હતું કે ખેડૂતને જે રકમ ચૂકવવાની થાય છે તેના કરતાં ખેડૂત દ્વારા ઘણી મોટી રકમ આકારવામાં આવી છે. વાસ્તવમાં ગણતરીમાં રકમ ઘણી ઓછી થાય છે. જેથી રેવન્યુ વિભાગ થ્રુ વેરિફિકેશન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા પ્રાંત અધિકારીને વેરિફિકેશન માટે પત્ર મોકલ્યો છે. જમીન સંપાદન અધિકારી જમીનના વળતર પેટે નિયમ મુજબ ગણતરી કરીને ચુકવણું કરે છે પણ ખેડૂત દ્વારા એકતરફી ગણતરી કરી કોર્ટમાં વસુલાત મૂકી હતી. જે ચૂકવવાની રકમ 10 ગણી વધુ હોવાની અસંકા સાથે કોર્ટમાં અરજી કરાઈ હતી.