પાટણ: રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે કરવામાં આવેલા લોકડાઉનની શરૂઆતના કેટલાક દિવસોમાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ધંધા-રોજગાર અર્થે આવેલા શ્રમિકો વાહન વ્યવહાર બંધ થતા પોતાના વતન જવા માટે જે તે જિલ્લાઓમાંથી પદયાત્રાએ નીકળી પડ્યા હતા, ત્યારે જે તે જિલ્લામાં આવતા કેટલાક પરપ્રાંતિય શ્રમિકોને વહીવટીતંત્ર દ્વારા અટકાવી સેલટર હોમમાં રાખવામાં આવ્યાં હતાં.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-thepatanadministrationsent29workersfrommadhyapradeshhome-photostory-7204891_25042020195041_2504f_1587824441_510.jpg)
મધ્યપ્રદેશના 29 શ્રમિક પરિવારો ચાલીને જિલ્લા મથક પાટણ ખાતે આવી પહોંચ્યા હતા, ત્યારે પાટણ પોલીસે આ પરિવારોને અટકાવ્યા હતા.અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેઓને જાળેશ્વર પાલડી ખાતેના ચિલ્ડ્રન શેલટર હોમમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં તેમને રહેવા તેમજ જમવાની સારી સગવડો આપવામાં આવી હતી.
28 દિવસથી શેલ્ટર હોમમાં રહેતા શ્રમિક પરિવારોને મધ્યપ્રદેશ સરકારે પોતાના રાજ્યમાં આવવા દેવાની મંજૂરી આપતા પાટણ વહીવટી તંત્રે પાલડી ખાતેના આશ્રય સ્થાનમાં રાખેલા મધ્યપ્રદેશના 29 લોકોને શનિવારે સાંજે સરકારી બસથી મધ્યપ્રદેશ મોકલ્યા હતાં.
છેલ્લા 28 દિવસથી પાટણ ખાતે એક જ જગ્યાએ રહેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારોને એકાએક માદરે વતન મોકલવામાં આવતા તેઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. તેમજ સાથે સાથે પાટણ જિલ્લા વહીવટી તંત્રનો પણ આ પરિવારોએ આભાર માન્યો હતો.