પાટણઃ સમી તાલુકાના વરાણા ગામે વરાણા પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, સાત સ્માર્ટ કલાસ સાથે વિધાર્થીઓને મૂલ્યવાન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. આ સાથે બીજી તરફ વિધાર્થીઓમાં બાળપણથી જ બચતનો ગુણ કેળવાય અને તેઓ બચત કરતા શીખે, એ માટે શાળામાં આઈ શ્રી ખોડિયાર બચત બેન્ક કાર્યરત કરાવવામાં આવી છે.
આ બેન્કમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માતા-પિતા દ્વારા વાપરવા માટે આપવામાં આવતા પૈસા આ બેન્કમાં જમા કરાવે છે. સમય પ્રમાણે તેઓ આ નાણા બેન્કમાંથી ઉપાડી તેનો ઉપયોગ પણ કરી શકે છે. છેલ્લા દશ વર્ષથી ચાલતી આ બેન્કમાં 800 ખાતાઓ છે. આ બેન્કમાં કુલ રૂપિયા 1,59,000 જમા થયેલા છે.
શાળાની બચત બેન્કમાં વિધાર્થીઓ વારા પ્રમાણે પોતાના ખાતામાં રૂપિયા જમા કરાવે છે. જ્યારે તેઓને શિક્ષણને લગતી સ્ટેશનરી લાવવી હોય કે, પછી પ્રવાસ જવાનું હોય, તો વિધાર્થીઓ આ બચત બેંકમાંથી રૂપિયા ઉપાડી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે.
શાળામાં ચાલતી આ બચત બેન્કમાં ધોરણ 1 થી 8ના વિધાર્થીઓના ખાતા ખોલવામા આવ્યા છે. બેન્કનો વ્યવહાર મેન્યુઅલ અને કોમ્પ્યુટર બન્નેથી થાય છે. એક રાષ્ટ્રીય કક્ષાની બેન્ક જેવી સુવિધાઓથી વિધાર્થીઓ દ્વારા અહીં કામગીરી કરવામાં આવે છે.