પાટણઃ સાંતલપુરના અગરિયાઓને અત્યારે એક વિકટ સમસ્યા નડી રહી છે. મીઠું પકવવા માટે અગરીયાઓને રણ વિસ્તારમાં જતા વન વિભાગ અટકાવી રહ્યું છે. વન વિભાગ અભ્યારણનું કારણ આગળ ધરીને અગરિયાઓને અટકાવી રહ્યું છે. આ સમસ્યાની રજૂઆત માટે પાટણ સાંસદ ભરત સિંહ ડાભીએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે.
અનેક રજૂઆતોઃ સાંતલપુર તાલુકામાં કચ્છનું નાનું રણ આવે છે. જેમાં સાંતલપુર, વારાહી, સમી વિસ્તારના અગરિયાઓ પેઢીઓથી મીઠું પકવીને ગુજરાન ચલાવે છે. આ વર્ષે વન વિભાગે અભ્યારણનું કારણ આગળ ધરીને તેમને રણ વિસ્તારમાં પ્રવેશતા અટકાવ્યા છે. અગરિયાઓએ આ સમસ્યાની સ્થાનિક કક્ષાએ અનેકવાર રજૂઆતો કરી છે. રાધનપુર પ્રાંત કચેરીએ તો અગરિયાઓએ અર્ધનગ્ન અવસ્થામાં જઈને આવેદન પત્ર આપ્યું છે. તેમજ તાજેતરમાં પાટણ જિલ્લા કલેક્ટરને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જો કે હજૂ સુધી આ સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી. આ સમગ્ર મામલાની જાણ પાટણ સાંસદ ભરત સિંહ ડાભીને થતા તેમણે મુખ્ય પ્રધાનને આ સમસ્યાનો ઉકેલ લાવવાની રજૂઆત કરતો પત્ર લખ્યો છે.
વન વિભાગની બેવડી નીતિઃ સાંતલપુરમાં આવેલા રણમાં સ્થાનિક અગરિયાઓને મીઠું પકવવા જતાં વન વિભાગ દ્વારા રોકવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ કચ્છના નાના રણની નજીક આવેલા ધ્રાંગધ્રા, ખારાખોડા, પાટડી, હળવદના અગરિયાઓને મીઠું પકવવાની છુટ આપવામાં આવી છે. અત્યારે સાંતલપુરના અગરિયાઓ અને શ્રમિકોની રોજગારી વન વિભાગની બેવડી નીતિએ છીનવી લેતા તેમની સ્થિતિ કફોડી બની છે.
સાંતલપુર વિસ્તારમાં પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા લોકો, નિરાશ્રિત લોકો વર્ષોથી મીઠું પકવીને ગુજરાન ચલાવે છે. આ વર્ષે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે અગરિયાઓને મીઠું પકવતવા જતાં અટકાવી દીધા છે. આ મામલે ધારાસભ્ય લવિંગજી ઠાકોર રજૂઆતો કરી ચૂક્યા છે. આજે મેં ગુજરાતના મુખ્ય પ્રધાનને આ સમસ્યાનો ઉકેલ લાવવા ધ્યાન દોર્યુ છે...ભરત સિંહ ડાભી(સાંસદ, પાટણ)