પાટણ : પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દંડક પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવા નિર્ણય કર્યો છે અને તે અંગેની જાણ જિલ્લા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારોને કરવામાં આવી છે. જેને લઇને પાટણનું કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ છે.
પક્ષના મોવડીઓનું વારંવાર ધ્યાન દોર્યુ હતું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ખરાખરીના જંગમાં પાટણ બેઠક ઉપર ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ તેમની આગેવાની લોકપ્રિયતાના કારણે વિરોધ પક્ષને આયોજનપૂર્વકની લડત આપી મહાત કરવામાં સફળ રહ્યા હતાં. પરંતુ તેમને વિરોધી પક્ષની સાથે પક્ષમાં રહી પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરનારા સામે વધુ સાવધાની રાખવાની જરૂર પડી હતી. કારણ કે પક્ષમા રહી પક્ષના નેતાને હરાવવાની પ્રવૃત્તિઓ કરનારાએ કોઈ કસર છોડી ન હતી અને આ બાબત કિરીટ પટેલના ધ્યાન ઉપર આવતા તેમણે પક્ષના મોવડીઓનું વારંવાર ધ્યાન દોર્યુ હતું.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ છતાં દંડક બનાવ્યાં લેખિતમાં પુરાવા સાથે માંગણી કરવામાં આવતા લેખિતમાં પણ પુરાવા સાથે ધ્યાન ઉપર મૂક્યું હતું. પરંતુ પ્રદેશ નેતાઓએ આ રજૂઆતોને અવગણી બાર મહિનામાં કોઈપણ જાતના પગલાં ભર્યા ન હતાં. જેથી તાજેતરમાં પાટણ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડ જેમણે તેમના પતિની સાથે મળી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવા છતાં તેને પક્ષના દંડક બનાવવામાં આવ્યાં હતાં.
રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી આમ શિસ્ત વિષયક પગલાંની જગ્યાએ શિરપાવ આપવામાં આવતા ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. તેઓની આ માંગણી સામે કોંગ્રેસ પક્ષ ઝૂકી હોય તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી શૈલેષ પરમારે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિરુદ્ધ કામ કરવા બદલ મળેલ લેખિત ફરિયાદને આધારે મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડને આ ફરિયાદનો નિકાલ ન થાય ત્યાં સુધી હોદ્દો આપી શકાય નહીં તેમ જણાવી પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેનો પત્ર પક્ષના સંગઠનના ઉમેદવારો અને મંજુલાબેન રાઠોડને આપવામાં આવ્યો છે.
તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્ણય : ધારાસભ્યની રજૂઆતને પગલે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયતના મહિલા સદસ્યને તાત્કાલિક અસરથી મુદ્દાઓ પરથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને પાટણ જિલ્લા કોંગ્રેસના રાજકારણ ગરમાયુ છે. આ મુદ્દે અન્ય કોંગ્રેસના કાર્યકરો પક્ષમાંથી રાજીનામું આપે તો નવાઈ નહીં.