પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં આગામી 23થી 25 ઓગસ્ટના રોજ નેકની ટીમ યુનિવર્સિટીના સર્વાંગી મૂલ્યાંકન માટે સાત વર્ષ પછી આવી રહી છે. ત્યારે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ -NAAC નેકના આગમનને લઈ યુનિવર્સિટીના કુલપતિ, રજીસ્ટ્રાર. આઈયુએસી સેલસહિતની ટીમો તૈયારીમાં જોરશોરથી લાગી ગઈ છે. યુનિવર્સિટીના વિવિધ વિભાગો સાથે મૂલ્યાંકનની કામગીરી માટે આયોજન માટે બેઠકોનો દોર શરુ થયો છે.
નેકની ટીમની યુનિમાં મૂલ્યાંકન માટે આવી રહી છે ત્યારે યુનિવર્સિટી દ્વારા નેકને લગતી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં બીજા રાઉન્ડની તૈયારીઓની સમીક્ષા ચાલી રહી છે. નેકના જે નિયત માપદંડો કરવામાં આવેલ છે તે મુજબની તૈયારીઓ પરિપૂર્ણ થાય અને યુનિવર્સિટીને ફરી એકવાર નેકમાં સારો ગ્રેડ મળે તે માટે યુનિવર્સિટીના વિવિધ વિભાગો સાથે સંકલન કરી આયોજન માટે બેઠકો ચાલી રહી છે...કે. કે. પટેલ(રજીસ્ટ્રાર, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી )
અગાઉના મૂલ્યાંકનમાં એ ગ્રેડ મળ્યો હતો : યુનિવર્સિટીમાં વર્ષ 2016માં પૂર્વ કુલપતિ ડૉ. રતનલાલ ગોદારાના સમય દરમિયાન નેકની ટીમે મૂલ્યાંકન કર્યું હતું અને યુનિવર્સિટીની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરીને 3.02 સીજીપી રેન્ક અને એ ગ્રેડ આપવામાં આવ્યો હતો. આમ તો દર પાંચ વર્ષે આ મૂલ્યાંકન કરાવવાનું હોય છે. જેની મુદત 2021માં પુરી થઈ હતી પરંતુ તે સમયે કોરોના મહામારી ચાલુ હોવાના કારણે નેક મૂલ્યાંકનની કામગીરી સમયસર થઈ શકી ન હતી. જેથી વર્ષ 2022ના અંતમાં યુનિવર્સીટી દ્વારા નેક મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓ : યુનિવર્સિટીના આઈયુએસી સેલ દ્વારા યુનિવર્સિટી કુલપતિ ડો. રોહિત દેસાઈ અને રજીસ્ટારના માર્ગદર્શન નીચે છેલ્લા છ મહિનાથી નેકના મૂલ્યાંકનના જે ધારાધોરણો છે તે પ્રમાણે તમામ વિગતો નેકમાં મોકલી આપી મૂલ્યાંકન માટે અરજી કરવામાં આવી હતી. નેક પિયર દ્વારા યુનિવર્સિટીની અરજીને મંજૂર કરીને આગામી ઑગસ્ટ મહિનાની તા 23, 24 અને 25 એમ ત્રણ દિવસ માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મૂલ્યાંકન માટે આવી રહી છે.