પાટણ : પાટણ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છાસવારે નાના-મોટા અકસ્માતોના બનાવો પ્રકાશમાં આવે છે. માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો પોતાના વાહનો પૂર ઝડપે હંકારતા હોય કેટલીક વાર અકસ્માતો પણ સર્જાય છે. જેમાં મહામૂલી જિંદગીઓ અકાળે મોતને ભેટે છે. ત્યારે આજે આવો જ એક અકસ્માતનો બનાવ બાલીસણા ગામે બનવા પામ્યો છે, જેમાં કારની અડફેટે આધેડ બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
આધેડનું મોત : પાટણ તાલુકાના બાલીસણા ગામે રહેતા અને ખેતી તેમજ પશુપાલનનો વ્યવસાય કરતા પટેલ બાબુભાઈ આજે સવારે પોતાનું બાઈક લઈને કામ અર્થે ગયા હતાં ત્યારબાદ કામ કાજ પૂર્ણ કરીને ગામના હાઇવે ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપરથી બાઈકમાં પેટ્રોલ ભરાવીને ઘરે જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ઊંઝા તરફથી પાટણ આવતી અર્ટિગા કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ ક્રોસ કરી રહેલ બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ રોડ ઉપર નીચે પટકાતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો Porbandar Accident : ધોરી માર્ગ પર કાર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારના મૃત્યુ
અકસ્માતની ઘટના : સીસીટીવી અકસ્માતને પગલે કાર ડિવાઇડર ઉપર ચડી ગઇ હતી. જેથી કારચાલકને પણ ઇજાઓ થતા તેને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બાલીસણા હાઇવે માર્ગ ઉપર કાર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જે દ્રશ્ય જોતા લોકોના રુવાડા ઉભા થઈ જાય છે. અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનું પંચનામું કરી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Surat Accident : ફુલ સ્પીડે ડિવાઇડર સાથે બાઈક અથડાતા યુવકો 15થી 20 ફૂટ બ્રીજ નીચે પટકાયા
પૂરઝડપ જીવલેણ : એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી પહોંચી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ફોરલાઈન અને સિક્સ લાઈન હાઇવે માર્ગો બનાવવામાં આવ્યા છે અને આ માર્ગો પરથી મુસાફરો અને વાહનચાલકો સરળતાથી પોતાના ગંતવ્ય સ્થળે સમયસર પહોંચી શકે છે પરંતુ આ માર્ગો પરની વધુ પડતી પૂરઝડપ જીવલેણ બની જતી હોય છે.