પાટણ : પાટણના સાંતલપુરમાં આવેલા રણમાં વન વિભાગ દ્વારા હાલમાં પ્રવેશ બંધી કરાઈ છે. જેને લઈને રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓની હાલત કફોડી બની છે. ત્યારે આજે અગરિયાઓ પાટણ જિલ્લા કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતાં અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જો અગરિયાઓને રણમાં પ્રવેશ નહીં અપાય તો આગામી સમયમાં અગરિયાઓ પરિવાર સાથે ગાંધીનગરમાં કૂચ કરશે.
શા માટે વિરોધ : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કચ્છનું નાનું આવેલું છે જેમાં સાંતલપુર,વારાહી, સમી, વિસ્તારના અગરિયાઓ રણમાં મીઠું પકવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે વન વિભાગ દ્વારા રણમાં પ્રવેશ પર પાબંધી લગાવી છે જેને લઇ મીઠાનો વ્યવસાય કરતા અગરિયા પરિવારોની હાલત કફોડી બની છે. એકવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા અગરિયાઓના હિતમાં કોઈ નિર્ણય લેવાયો નથી જેથી અગરિયાઓ હાલ બેરોજગાર બન્યા છે.
આવેદનપત્ર આપ્યું : આ સમસ્યાના કારણેે આજે સાંતલપુર તાલુકાના અગરિયાઓ પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને વહીવટી તંત્ર તેમજ વન વિભાગ સામે સૂત્રોચારો પોકારી દેખાવો કર્યા હતાં અને ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું .
ગાંધીનગર ભણી કૂચ કરશે : અગરીયા પરિવારોને કચ્છના નાના રણમાં ધુડખર અભ્યારણ નામે મીઠુ પકવવાની મંજુરી આપવામાં નહીં આવતા હાલ આ અગરીયા પરીવારો બેરોજગાર બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા પરંપરાગત અગરિયાઓને રણમાં પ્રવેશ આપી મીઠું પકવવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ છે. જો તંત્ર દ્વારા અગરિયાઓના હિતમાં નિર્ણય નહીં લેવાય તો ગાંધીનગરમાં અગરિયા પરિવારો કૂચ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
એક હજાર લોકો કચ્છના નાના રણમાં મીઠું પકવી જીવન નિર્વાહ કરે છે. પરંતુ હાલ ઘુડખર અભ્યારણના નામે પ્રવેશ આપવામાં આવતો નથી. તો બીજી બાજુ આ રણ વિસ્તારમાં આવેલ ધાંગધ્રા, ખારોડા, પાટડી,હળવદમાં મીઠું પકવવા અગરિયાઓને છૂટ આપવામાં આવી છે. ત્યારે વન વિભાગની આ બેવડી નીતિથી સાંતલપુર પંથકના અગરિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગરીબ પરીવારો માટે મીઠુ પકવવાની મજુરી એ જ એકમાત્ર વિકલ્પ છે. છેલ્લા કેટલાક વર્ષોથી પેઢી દર પેઢી મીઠુ પકવવાના વ્યવસાય અને મજૂરી સાથે સંકળાયેલા અગરીયા પરીવારોને ન્યાય આપવામાં આવે તેવી માંગણી છે. જો રણમાં પ્રવેશ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં અગારીયા પરિવારો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે સાંતલપુરથી ગાંધીનગર કૂચ કરવામાં આવશે. પ્રદીપ રાજગોર ( અગરિયા હિત રક્ષક મંચના સદસ્ય )
પહેલાં હૈંયાધારણ આપી હતી : ધાંગધ્રા વન વિભાગ દ્વારા અગાઉ પાત્રતા ધરાવતા અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવશે તેવી હૈંયાધારણ આપવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી પાત્રતા ધરાવતા અગરિયાઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. ત્યારે હવે જોવું એ રહ્યું કે અગરિયાઓને રણમાં પ્રવેશ ક્યારે મળશે. હાલ તો અગરિયા અને મજૂરી કામ અર્થે સંકળાયેલા શ્રમજીવીઓને અગરકામ નહીં મળતા બેરોજગાર બન્યા છે.