પાટણ : બનાસ નદીમાં આવેલ પાણી રાધનપુર અને સાંતલપુર તાલુકાના લોકો માટે આફત રૂપ બન્યું છે. તાલુકાના 10 જેટલા ગામના લોકો જીવના જોખમે દોરડા વડે નદીના ધસમસતા પાણીમાંથી પસાર થઈ રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈ લોકોમાં અનુકંપા જાગી છે.
આઠ ગામ જળબંબાકાર : પાટણ જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને નર્મદાની નહેર દ્વારા જોડાયેલા પાણીના કારણે સાંતલપુર અને રાધનપુર તાલુકામાંથી પસાર થતી બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી ઉપર છેલ્લા છ વર્ષથી નિર્માણાધીન પુલનું કામ પૂર્ણ થયું નથી. આથી નદીમાં અપાયેલા ડાઈવર્ઝન પાણીમાં ગરકાવ થતા આજુબાજુના આઠ જેટલા ગામના લોકો છેલ્લાં છ દિવસથી સંપર્ક વિહોણા બન્યા છે.
જીવના જોખમે અવરજવર : આવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા કોઈ દરકાર નહીં લેવાતા કંટાળેલા ગામ લોકો નદીના પ્રવાહમાં બાળકોને ખભે બેસાડી દોડા વડે એકબીજાના સહારે અવરજવર કરવા મજબૂર બન્યા છે. નદીમાં જીવના જોખમે રસ્તો પસાર કરતા ગ્રામજનોનો વીડિયો સામે આવતા અનેક ટીપ્પણીઓ થઈ રહી છે.
ક્યારે બનશે પુલ ? બનાસ નદીમાં આવેલ પાણી પેદાસપુરા, ઘડસઈ, બિસ્મિલ્લા ગંજ, કરશનગઢ, જોરાવરગંજ, વાદળીથર, હરીપુરા અને અબિયાણા ગામના લોકો માટે હાલ આફત રૂપ બન્યું છે. આ ગામના લોકોને તાલુકા મથક રાધનપુર અને વારાહી આવું હોય તો સમી તાલુકાના અમરપુરા થઈને 70 km નું લાંબુ અંતર કાપવું પડે છે. તે પણ જેની પાસે પોતાનું વાહન હોય તે જ અવરજવર કરી શકે તેમ છે.
ગ્રામજનોની મજબૂરી : અંતરિયાળ ગામોમાં ખાનગી મુસાફર વાહનો અને સીધી એસ.ટી. બસની કોઈ જ સુવિધા મળતી નથી. જેના કારણે મજબૂરીવશ ગામ લોકો ધસમસતા નદીના પાણીમાં જીવના જોખમે અવરજવર કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈ ગામ લોકો સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.