પાટણ શહેરના ચાંચરિયા વિસ્તારમાં રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા ડાહ્યાભાઈ પટેલને 3 ઓગસ્ટે એક અજાણી મહિલાએ પોતાનુ નામ માહી આપી તેમને વિશ્વાસમાં લઈ તેમનો પરિચય કેળવી મકાનની લેવડ દેવડ મામલે તેના અન્ય સાગરીતો સાથે કાવતરું રચી બિલ્ડરને હારીજ કોર્ટ પાસે મળવા બોલાવ્યા હતા. ત્યારબાદ મહિલા તથા તેના સાગરીતોએ બિલ્ડરને ગાડીમાં બેસાડી હારીજ કેનાલ પર લઈ જઈ છરી બતાવી સોનાની વીંટી તેમજ રોકડ રૂપિયાની લૂંટ કરી હતી. આ ટોળકીના ઈસમોએ બિલ્ડરને અર્ધનગ્ન કરી તેના વીડિયો બનાવી બળાત્કારના ગુનામાં સંડોવવાની ધમકી આપી રૂપિયા 50 લાખની માગણી કરી હતી. બિલ્ડરે મુંબઇ ની આંગડિયા પેઢી મારફતે ભાભરની આંગડિયા પેઢીમાં રૂપિયા 25 લાખનો હવાલો કરાવતા આ આરોપીઓએ રકમ પડાવી લીધી હતી. જે મામલે બિલ્ડર ડાહ્યાભાઈએ પાટણ-એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ગુનાની ગંભીરતા ને ધ્યાને રાખીને તેની તપાસ પાટણ એલ.સી.બી.ને આપવામાં આવી હતી, ત્યારે એલ.સી.બી.એ અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલ બે મહિલા અને નવ પુરુષો મળી કુલ 11 ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા સાડા પંદર લાખ ની રીકવરી કરી વધુ તપાસ હાથ ધરી છે.