પાટણઃ મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને પાટણ વન વિભાગની કચેરી ખાતે ત્રણ દિવસ માટે પક્ષી સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ ત્રણ દિવસ સુધી સતત ફરજ પર રહી પક્ષીઓની સારવાર કરશે. બે શિફ્ટમાં પશુ તબીબોની ટીમ એક્ટિવ રહીને ઈજાગ્રસ્ત થયેલા પંખીઓની યોગ્ય રીતે સારવાર કરશે. પાટણ જિલ્લામાં આ માટે એક મુખ્યમથક ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના તાલુકાઓમાં નાના એવા પ્રાથમિક સારવાર કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ઉત્તરાયણ પર પોળની આગાશીના ભાવ લાખને પાર, ભાડામાંથી આવક
ઘાતક દોરીઃ પતંગ ચગાવવા માટે વપરાતી દોરી પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી હોય છે. સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના 9 તાલુકામથકો પર તથા શહેરમાં પક્ષી કલેક્શન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા વનસંરક્ષકની કચેરીએ ત્રણ દિવસ સુધી પક્ષી સારવાર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યુ છે. આ સેન્ટર પર પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓને પશુ ટીમના નિષ્ણાત ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે. જોકે, આ માટે તબીબો, વનવિભાગ તથા જુદા જુદા એનજીઓની ટીમ એકસાથે મળીને સમગ્ર જિલ્લામાં કામ કરી રહી છે.
17 સેન્ટર ઊભા કરાયાઃ સમગ્ર પાટણ જિલ્લામાં 17 જેટલા પક્ષી કલેક્શન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 11 ટ્રીટમેન્ટ સેન્ટરો પણ ઊભા કરવામાં આવ્યા છે. 3 દિવસ સારવાર બાદ આ તમામ ઈજાગ્રસ્ત પક્ષીઓને આશાપુર ખાતે શરૂ કરવામાં આવેલા એનિમલ કેરમાં રાખવામાં આવશે. ઉતરાયણમાં ઓછા પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તે માટે દરેક લોકો સવારે 9:00 વાગ્યા પહેલા અને સાંજે 5:00 વાગ્યા પછી પતંગ ના ચગાવે. ચાઈનીઝ દોરી અને ટુકલ નો ઉપયોગ ન કરવા તેમજ ફટાકડા ન ફોડવા વન વિભાગના અધિકારી બિંદુબેન પટેલે જિલ્લા વાસીઓને અપીલ કરી છે.
આ પણ વાંચોઃ Patan: પાટણ જિલ્લામાં પોલીસે 10 દિવસમાં 2 લાખની ચાઈનીઝ દોરી પકડી
નંબર જાહેર કર્યોઃ ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર માટે તાત્કાલિક કરુણા એમ્બ્યુલન્સ 1962 પર અથવા વન વિભાગ ની કચેરીના કંટ્રોલરૂમ ના નંબર 02766225850 જાણ કરવા અપીલ કરાઈ છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર વર્ષથી કરુણા અભિયાન અંતર્ગત ઉતરાણ દરમિયાન પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો અને કલેક્શન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. ચાર વર્ષમાં 628 પક્ષીઓ ઉત્તરાયણ પર્વમાં ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી 188 પંખીઓના મોત થયા છે. પક્ષીઓની મોતની સંખ્યામાં સૌથી વધારે કબૂતરોના મોત થયા છે.