- પાટણ જિલ્લા ભાજપમાં નવી નિમણૂકોને લઇ જોવા મળ્યો વિવાદ
- જિલ્લા પ્રમુખે જિલ્લાના આગેવાનો અને મોવડી મંડળની જાણ બહાર કરી હતી નિમણૂક
- પ્રદેશ ભાજપની સૂચનાથી જિલ્લા પ્રમુખે નિમણૂકો કરી રદ
પાટણઃ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ દશરથજી ઠાકોરેએ પદભાર સંભાળ્યા બાદ નવા સંગઠન માળખાની રચના કરવાની કવાયત હાથ ધરી હતી. જે સંદર્ભે સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર તાલુકા અને સિદ્ધપુર શહેરના પ્રમુખ મહામંત્રી સહિત નવી ટીમની જાહેરાત કરી હતી અને તેની યાદી વિવિધ વોટ્સએપ ગ્રુપમાં ફરતી કરી હતી. જેને લઇ હોદ્દા માટેની આશા રાખીને બેઠેલા કેટલાક સક્રિય આગેવાનો અને કાર્યકરોમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. આ નવી નિમણૂકો મોવડી મંડળ અને જિલ્લા સ્તરના આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવી હોવાનું જાણવા મળતાં વિરોધ પ્રબળ બન્યો હતો.
ગણતરીના કલાકોમાં જ નિમણૂકો થઈ રદ
આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેની અસર ન પડે અને નારાજગી સાથેનો ભડકો વધે નહીં એ માટે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખને નવી નિમણૂકો રદ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેથી જિલ્લા પ્રમુખે ગણતરીના કલાકોમાં જ આ નિમણૂકો રદ કરી હાલ પૂરતી મોકૂફ રાખી હોવાની જાહેરાત કરી હતી. જોકે, આ મુદ્દો હાલ પાટણ જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.