- તૌકતે વાવાઝોડાને લઈ જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી
- કોવિડની સારવાર આપી રહેલી હોસ્પિટલોને પાવર બેકઅપની વ્યવસ્થા કરવા આપી સુચના
- વીજ પુરવઠો ન ખોરવાય તે માટે UGVCLને અપાઈ સૂચના
- તંત્ર દ્વારા આશ્રય સ્થાનની પણ તૈયારીઓ કરાઈ
પાટણ : જિલ્લા કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઈને જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા સૂચના આપી દેવામાં આવી છે. કોવિડની સારવાર આપી રહેલી ખાનગી અને સરકારી હોસ્પિટલોને પાવર બેકઅપની વ્યવસ્થા કરવા, ઓક્સિજન પુરવઠો રાખવા તથા વીજ પુરવઠો ન ખોરવાય તે માટે UGVCLને પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત અગરિયાઓ સહિત વાવાઝોડાની જેને સંભવિત અસર થવાની છે તેવા વિસ્તારના લોકો માટે આશ્રયસ્થાનની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : ચિંતા ન કરશો, વાવાઝોડાને કારણે હોસ્પિટલોમાં લાઈટ જશે તો આ રહ્યો સરકારનો એક્શન પ્લાનઃ ઉર્જા પ્રધાને આપી માહિતી
તાલુકા કક્ષાએ ઉચ્ચ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ
મંગળવાર સવારથી બુધવારની સાંજ સુધીમાં પાટણ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. જેમાં ભારે પવન અને વરસાદની પણ શક્યતાને ધ્યાને લઇ જિલ્લાના રાધનપુર, સમી તથા પાટણ તાલુકા ખાતે NDRFની ટીમ પણ તૈનાત રહેશે. જિલ્લા કલેક્ટરની સુચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ તંત્રના ઉચ્ચ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
