પાટણ : પાટણ શહેરના પાટણ ચાણસ્મા હારીજ ત્રણ રસ્તા ઉપર આવેલ એક હોટલમાં પત્રકારના સ્વાંગમાં આવેલી એક સહિત ત્રણ મહિલાઓએ બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવ્યાનો મામલો સામે આવ્યો છે. પાટણમાં મકાન ધરાવતા અને અમદાવાદ ખાતે કન્સ્ટ્રક્શનનું કામ કરનાર બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બિલ્ડર પાસેથી દસ લાખ રૂપિયાની માગણી કરાઈ હોવાની ઘટનાનો ઘટસ્ફોટ થયો છે.
આરોપી મહિલાઓના રિમાન્ડ મંજૂર : બિલ્ડરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મહિલાઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આવું કાવતરું રચ્યું : આ ત્રણે યુવતીઓ પૈકી બે યુવતીઓ વર્ષા અને રાધિકા બિલ્ડર પાસેથી રૂપિયા પડાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને બિલ્ડર સાથે મિત્રતા કરી હતી. પોતાને જમીન બાબતની વાતચીત કરવાનું કહી તારીખ 3/9/23 ના રોજ રાત્રે 9:30 વાગે પાટણની સુદામા ચોકડી પરની હોટલ કેરીફોરના રૂમ નંબર 304 માં વર્ષા પટેલ રાધિકા સાથે આવી હતી અને પોતાને અર્જન્ટ કામ હોવાનું કહી બહાર નીકળી ગઈ હતી. તેની સાથેની અન્ય એક યુવતી વંદનાને પત્રકાર તરીકે બિલ્ડરના રૂમમાં મોકલીને રાધિકા ઉર્ફે મનીષા નામની યુવતી પાસે બિલ્ડરને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેની પાસેથી દસ લાખ રૂપિયાની માગણી કરી હતી તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
બિલ્ડરને હની ટ્રેપના ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું રચવામાં ત્રણ મહિલાઓ સાથે બે પુરુષો પણ હોવાનું સામે આવ્યું છે. ભાવેશ પટેલ અને કિશોરસિંહ ઝાલા બંને પોતાની અલગ અલગ ગાડીઓમાં મહિલાઓને લઈને પાટણ આવ્યા હતાં. પોલીસે મહિલાઓની ધરપકડ કરી તે સમયે તેઓ સ્થળ ઉપર નહોતા પણ મહિલાઓની પૂછપરછ દરમિયાન તેઓનું નામ સામે આવતા પોલીસે તે બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે...એ. એમ. ચૌધરી પીએસઆઈ, પાટણ પોલીસ
બિલ્ડર બેસણાંમાં પાટણ આવ્યાં હતાં : પાટણના મૂળ વતન અને હાલ અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા બિલ્ડર નિસર્ગ પટેલે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ બે દિવસ અગાઉ એક સંબંધીના બેસણાં માટે પાટણ આવ્યાં હતાં. તે સમયે તેમણે ચાણસ્મા હાઇવે પરની કેરીફોર હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો.
બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરું રવિવારે રાત્રે બિલ્ડર નિસર્ગ પટેલ પોતાની હોટલના રૂમ ઉપર હતાં તે સમયે વર્ષા પંકજકુમાર પટેલ અને રાધિકા ઉર્ફે મનીષા તેને જમીનનું કામ હોવાનું જણાવી હોટલ ઉપર મળવા આવી હતી. પરંતુ ત્યારબાદ વર્ષા પટેલ અર્જન્ટ કામ આવ્યું છે તેમ કહીને નીકળી ગઈ હતી. ત્યારબાદ થોડા સમય પછી જ્યારે નિસર્ગ અને રાધિકા હોટલના રૂમમાં હતાં તે સમયે વંદના નામની યુવતીએ પત્રકારની ઓળખ આપી હોટલના રૂમમાં ઘુસી હતી અને મારી બેનની દીકરી સાથે હોટલમાં તું શું કરે છે અને તારા ઉપર રેપનો કેસ કરાવું છું તેવી ધમકી આપી આ કેસમાં ન ફસાવવું હોય તો રૂપિયા દસ લાખ આપવા પડશે તેવી માગણી કરી હતી. તે જ સમયે પોલીસ પણ હોટલ ઉપર આવી જતાં ત્રણે મહિલા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે મહિલાઓના રિમાન્ડ મેળવ્યાં : આ મહિલા ત્રિપુટીએ હની ટ્રેપનું કાવતરું ક્યાં રચ્યું હતું અને તેમાં કોની કોની હાજરી હતી. તેઓએ અન્ય કોઈ વ્યક્તિઓને શિકાર બનાવે છે કે નહીં અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાના તોડ કર્યા છે. તેની તપાસ અર્થે પાટણ ચીફ જ્યુડિશિયલની મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતાં કોર્ટે ત્રણેય મહિલાઓને 8/9/2023 એટલે કે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી તેઓને પોલીસ કસ્ટડીમાં સોપ્યા છે.