પાટણ : રાધનપુર હાઇવે પર પાટણ જિલ્લાના બાસ્પા ગામ નજીકથી ભુજ રેન્જ સાયબર સેલ પોલીસ ટીમે ઠંડા પીણાના પાર્લરો ઉપર 100 ટકા હર્બલના નામે આલ્કોહોલ મિશ્રિત વેચાતી શંકાસ્પદ બોટલો ભરેલ પીકઅપ ગાડીને ઝડપી લીધી હતી અને કુલ 9 લાખની કિંમતની 6000 બોટલો ભરેલી 150 પેટી જપ્ત કરી સમી પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવી આ શંકાસ્પદ બોટલો ચકાસણી અર્થે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
ભુજ સાયબર સેલની ટીમે શંકાસ્પદ હર્બલની બોટલોનો જથ્થો પકડી સમી પોલીસને સુપરત કરે છે. ત્યારે પોલીસે હાલ તો જાણવાજોગ નોંધ કરી છે. સુનિન્દ્રા હર્બલ કંપનીની બોટલો ચકાસણી અર્થે એફએસએલમાં મોકલી છે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ તે દિશામાં કામગીરી કરવામાં આવશે. અમદાવાદથી ભરેલો આ જથ્થો ક્યાં ઉતારવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે..સમીર પરમાર (પીઆઈ, સમી પોલીસમથક)
સાયબર સેલે હર્બલની 6 હજાર બોટલો ઝડપી : પ્રાપ્ત વિગતો મુજબ ભુજ રેન્જ સાયબર સેલની ટીમ ગતરાત્રે રાધનપુર - સમી હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતી તે સમયે બાસ્પા ગામ નજીક પીકઅપ ડાલા ગાડી નં.GJ 1 FT 5970 પસાર થતા તેને અટકાવી તલાશી લીધી હતી. વાહનમાંથી હર્બલ બોટલો નશાયુકત પદાર્થ તરીકે ઉપયોગ કરવા લઇ જવાતી હોવાનું જણાતા પોલીસ ચોંકી ઉઠી હતી. 100 ટકા હર્બલના નામે આલ્કોહોલ મિશ્રિત આ શંકાસ્પદ બોટલોનો જથ્થો જપ્ત કરી તેની ગણતરી કરતાં કુલ 150 પેટીમાંથી 6000 બોટલો મળી આવી હતી. એક બોટલની કિંમત રૂા .150 ગણતા કુલ રૂા.9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
હર્બલનો જથ્થો અમદાવાદથી ભરાયો : જયારે પીકઅપ ગાડીના ચાલક રાવળ સંદીપ ભુપતભાઇની અટક કરી પૂછપરછ કરતા આ શંકાસ્પદ બોટલોનો જથ્થો અમદાવાદ નજીકના સનાથલ ગામેથી ભર્યો હોવાનું જણાવ્યું હતું. ભુજ સાયબલ સેલ પોલીસે સમી પોલીસ મથકે શંકાસ્પદ આલ્કોહોલ મિશ્રિત આ 100 ટકા હર્બલ બોટલોનો જથ્થો જપ્ત કરાવી જાણવા જોગ નોંધ કરાવી ચકાસણી અર્થ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. તો ગાડીના ચાલક રાવળ સંદીપની પણ અટક કરી આ જથ્થો કયાં ઉતારવાનો હતો તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે.
પાર્લરો પર વેચાય છે આ હર્બલ : ગુજરાતના મોટાભાગના શહેરોમાં આવેલા ઠંડા પીણા અને પાનપાર્લરો ઉપર 100 ટકા હર્બલના નામે આવી બોટલો વેચાય છે. જો તેમાં આલ્કોહલ મિશ્રિત કરી નશાયુકત પદાર્થ તરીકે ઉપયોગ કરાતો હોય તો એમ.ડી. ડ્રગ્સ બાદ વધુ એક દૂષણ ગજરતમાં પ્રવેશી રહ્યું છે અને યુવાનોને નશાની લત લગાવી ખોખલા કરી રહયું છે ત્યારે આ બદીને ડામવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ લાલ આંખ કરે તે જરુરી છે.