પાટણ : સમીથી એસટી બસમાં ગાંધીધામ લઈ જવાતા શંકાસ્પદ 20 કિલો ગૌમાંસના જથ્થા સાથે સાંતલપુર એસટી બસ મથકેથી યુવા હિન્દુ સંગઠનના કાર્યકરોએ એક ઈસમને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો. યુવા હિન્દુ સંગઠનના કાર્યકરો અને આ શખ્સ વચ્ચે ગૌંમાસને લઈ વાદવિવાદ સર્જાતા પોલીસે આ જથ્થો જપ્ત કરી તેની ખરાઈ માટે એફએસએલમાં મોકલવાની કામગીરી હાથ ધરી છે.
એક ઈસમને ઝડપી લીધો : બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સાંતલપુર ખાતે યુવા હિન્દુ સંગઠનના કાર્યકરોને ખાનગી રહે બાતમી મળી હતી કે હારીજથી ભુજ તરફ જઈ રહેલ એસટી બસમાં એક ઈસમ માસ મટનનો જથ્થો લઈને જઈ રહ્યો છે. જેના આધારે સંગઠનના કાર્યકરોએ સાંતલપુર એસટી બસ સ્ટેશને આ બસ આવતા જ તપાસ હાથ ધરી હતી અને માંસના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો.
માંસના જથ્થાને લઈ વાદવિવાદ : માંસનો આ જથ્થો ગૌમાસ હોવાનું જણાવી કાર્યકરોએ પોલીસને બોલાવી જથ્થા સાથે ઝડપાયેલા ચમાર મનુભાઈ અમરાભાઇ રહે. સમીવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મનુભાઈ ચમારે માસનો આ જથ્થો ગૌમાંસ નહીં હોવાનું જણાવી સમીથી ગાંધીધામ જતા હોવાનું જણાવ્યું હતું. માસના આ જથ્થા મામલે વાદવિવાદ સર્જાતા સાંતલપુર પોલીસે શંકાસ્પદ માંસનો આ જથ્થો જપ્ત કરી તેની ખરાઈ માટે એફએસએલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ આ બાબતે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ માસના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. યુવા સંગઠનના કાર્યકરોના જાણ્યા મુજબ જપ્ત કરેલો જથ્થો ગૌ-માસનો છે. તેથી તેની ખરાઈ માટે આ જથ્થાને એફએસએલમાં મોકલવાની કામગીરી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે...એચ. બી. મકવાણા (પીઆઈ, સાંતલપુર પોલીસ)
લોકોના ટોળેટોળા એકઠા થયા : એફએસએલ રિપોર્ટ બાદ સત્યતા બહાર આવશે પવિત્ર શ્રાવણ મહિનામાં રક્ષાબંધનના દિવસે શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે સમીનો મનુભાઈ ચમાર એસટી બસમાંથી ઝડપાતા સાંતલપુર એસટી ડેપો ભારે હોબાળો મચ્યો હતો અને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જ્યારે હિન્દુ સંગઠનના કાર્યકરો અને જીવ દયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. જોકે આ જથ્થો ગૌમાંસનો છે કે નહીં તેની સત્ય હકીકત એફ એસ એલ રિપોર્ટ બાદ જ ખબર પડશે.