દિવાળીનાં પાવન પર્વનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ધનતેરસનાં દિવસે દરેક વ્યક્તિ મહાલક્ષ્મી માતાની પૂજા કરી સોના ચાંદીનાં અલંકારો, રોકડ રૂપિયાની પૂજા કરે છે અને તેમની કૃપા પોતાના ઘર પર સદાય બની રહે તેવી પ્રાર્થના કરે છે, ત્યારે પાટણમાં છેલ્લા અગિયાર વર્ષથી ધનતેરસનાં દિવસે એક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે જેની શરૂઆત પાટણનાં જાણીતાં બિલ્ડર અને 'બેબા શેઠ'ના હુલામણા નામથી જાણીતા ગોરધનભાઈ ઠકકર દ્વારા કરવામાં આવી હતી અને હજુ પણ આ સેવા યજ્ઞ ધનતેરસનાં દિવસે ચાલે છે.
ધનતેરસનાં દિવસે બિલ્ડર ગોરધનભાઇ ઠક્કર ધનની પૂજા કરતા નથી પણ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકોને શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી એક જગ્યાએ એકત્ર કરી તેમને જાતે નવડાવી તેની માવજત કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરે છે. દરિદ્રનારાયણમાં જ લક્ષ્મીનારાયણ વસેલા છે તે કહેવતને ગોરધનભાઇ ઠકકરે સાર્થક કરી છે.