પાટણ: લોકડાઉન દરમિયાન પાટણ શહેરમાં એક સંસ્થા દ્વારા કમ્યુનિટી કિચન ચલાવવામાં આવ્યું અને બાકીની સંસ્થાઓને શહેરના વોર્ડ દીઠ સોંપવામાં આવેલી જવાબદારી મુજબ ભોજન વિતરણ કરવામાં પણ સરકારના નિયમોને ધ્યાને રાખી કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત હોમ ક્રોવોરેન્ટાઈન કરવામાં આવેલા પરિવારોને ભોજન ઉપરાંતની જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમના ઘર આંગણે મળી રહે તે માટેની પણ મદદ કરવામાં આવી હતી. સાથે સાથે સામાજિક અંતર જાળવવા, માસ્ક પહેરવા,હેન્ડવોશ અને સેનેટાઇઝરનો ઉપયોગ અંગે જનજાગૃતિ કેળવવા પણ આ સ્વૈચ્છિક સંસ્થાઓએ દિવસ રાત કામ કર્યુ છે.
મુખ્ય બજારોમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો આગળ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી સફેદ ગોળ કુંડાળા કરવામાં આવ્યા, જે કુંડાળામાં ઉભા રહીને ગ્રાહકો ચીજ વસ્તુઓની ખરીદી અત્યારે પણ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા આ મુદ્દે પ્રસિદ્ધ કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ દરેક જિલ્લામાં વહીવટી તંત્રએ પણ આ પ્રકારની વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપી છે.
સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી પાટણમાં લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ એક પણ પરિવાર ભૂખ્યો રહયો નથી.જે જિલ્લા વહીવટી તંત્રની મોટી સફળતા છે .જેના પગલે પાટણના આ વર્ક મોડલને દેશ ભરમાં લાગુ કરવા નીતિ આયોગે એડવાઈઝરી પ્રસિદ્ધ કરી છે.