HNGUની તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવાશે
- બે તબક્કામાં લેવાશે પરીક્ષા
- પ્રથમ તબક્કાની પરીક્ષા 27 જુલાઇથી થશે શરૂ
- બીજા તબક્કાની પરીક્ષા 4 ઓગસ્ટથી શરૂ થશે
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 46 પરીક્ષાઓ ઓનલાઇન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષા 27 જુલાઇથી અને બીજા તબક્કાની પરીક્ષા 4 ઓગસ્ટથી શરૂ થશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.જે. વોરાની અધ્યક્ષતામાં કારોબારી સભ્યો, કૂલસચીવ, વિભાગીય અધ્યક્ષ તેમજ અધિકારીઓની મિટીંગ મળી હતી. જેમાં યુનિવર્સિટીની મેડિકલ અને પેરામેડિકલ સિવાયની તમામ પરીક્ષાઓ ઓનલાઇન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની 34 પરીક્ષાઓ 27 જુલાઇથી શરૂ થશે, જેમાં પરીક્ષા આપનાર 4500થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે પ્રશ્નપત્ર ઓપન કરવા માટે આઈડી પાસવર્ડ આપવામાં આવશે. જે મેળવવા ગુરુવારથી HNGUની વેબસાઈટ પર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
જે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા આપવા માટે કોમ્પ્યુટર કે મોબાઈલની સુવિધા નથી, તેવા વિદ્યાર્થીઓ માટે શહેરી વિસ્તારમાં નજીકની કોલેજમાં પરીક્ષા સેન્ટર ગોઠવવામાં આવશે. સમગ્ર પરીક્ષાનું ટાઈમટેબલ બે દિવસમાં યુનિવર્સિટી દ્વારા જાહેર કરાશે.
ઓનલાઇન પરીક્ષામાં ચોરી બાબતે ખાસ કરીને પરીક્ષા દરમિયાન સોફ્ટવેર સિવાય અન્ય કોઈ બ્રાઉઝર ખુલશે નહીં અને જો સ્કિન મિનીમાઈઝ કરવામાં આવશે તો પણ સોફ્ટવેર ઓટોમેટીક મિનીમાઈઝ કર્યું હોવાનું નોંધાશે.