પાટણ: શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રી પર્વનો આજથી ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. સવારથી જ વિવિધ મંદિરોમાં માતાજી સન્મુખ પૂજા સહિતની વિધિ કરવામાં આવી છે. પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિરે ભક્તિમય માહોલમાં ચૈત્રી અને શારદીય નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી છે.
કાલિકા કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ: સોલંકી વંશના ચક્રવતી સમ્રાટ સિધ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત કરાયેલ મંદિરમાં કાલિકા માતા કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયા હતા. જેને લઇ શ્રદ્ધાળુઓ માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે મા કાલિકા સમીપ શુભ મુહૂર્તમાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન તથા જ્વારા વાવવાની વિધિ કરવામાં આવી હતી. આ મંદિરમાં કાલીકા મા સાથે માતા ભદ્રકાળી માતા પણ બિરાજમાન હોઈ શ્રદ્ધાળુઓને એક સાથે ત્રણ દેવીઓના દર્શન કરવાનો લ્હાવો મળે છે.
![ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-10-2023/gj-ptn-01-navratristartedbyinstallingghatatpatannagardeviandir-rtu-gj10046_15102023125849_1510f_1697354929_428.jpg)
'નવરાત્રિના નવદિવસ દરમ્યાન માતાજીને નીત નવા વસ્ત્રો તેમજ રત્નજડિત અલંકારોથી માતાજીને શણગાર કરવામાં આવશે. વિવિધ દેશ-વિદેશના ફૂલોની આંગી કરવામા આવશે. રોજ સવારે માતાજીની શ્રુંગાર આરતી અને સાંજે સાત વાગ્યે આરતી થશે. દુર્ગાષ્ટમીએ માતાજીની પાલખી યાત્રા નિજ મંદિરથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરશે તેમજ રાત્રે દસ વાગે માતાજી સન્મુખ યજ્ઞ કરવામાં આવશે અને રાત્રે સંધિ પૂજા કરાશે.' - અશોકભાઈ વ્યાસ, પૂજારી
નવ દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો: પાટણમાં આવેલ મહાકાલી માતાનું મંદિર પાટણ વાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન મંદિર પરિસર ખાતે માતાજી સન્મુખ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો અને યજ્ઞ યોજાશે. જેનો ભાવિક ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવશે. નવરાત્રિના પ્રથમ દિવસે મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.