પાટણઃ સરકાર દ્વારા કોવિંડ-19 હોસ્પિટલમાં કોરોના માટે જરૂરી ઇન્જેક્શનો પૂરા પાડવામાં આવે તેમજ ધારપુર સિવિલ હોસ્પિટલ સહિતની કોવિડ-19 હોસ્પિટલોના કોરોના વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓની સ્થિતિ પરિવારો જોઈ શકે તે માટે LED સ્ક્રીન ઉપર પ્રસારણ કરવામાં આવે તેવી સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે માંગણી કરી છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે.
ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, પાટણ શહેર-જિલ્લા સહિત રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે અને ગ્રામિણ વિસ્તારોમાં પણ સંક્રમણ વધ્યું છે, ત્યારે તાલુકા મથકના સરકારી દવાખાનાના પીએચએસસી અને સીએચસી તથા ખાનગી હોસ્પિટલોના તબીબો આવા દર્દીઓ સાથે ધક્કા મારોની નીતિ અપનાવી કોરોના હોસ્પિટલમાં મોકલી આપે છે. જેના કારણે કેટલાય દર્દીઓ જીવ ગુમાવી રહ્યાં છે. ધક્કા મારોની આ નીતિને લઈ સામાન્ય રોગના દર્દીઓ પણ યોગ્ય સારવારના અભાવે મરી રહ્યાં છે.
કોરોના માટે કોવીફોર જેવા કેટલાક ઇન્જેક્શનો ઉપચારમાં સફળ રહ્યાં છે. હાલમાં આ ઇન્જેક્શનો કાળા બજારમાં વેચાઇ રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આવા જરૂરી ઇન્જેક્શનો પહોંચાડવામાં આવે તો કેટલીયે જિંદગીઓ બચી શકે છે. વધુમાં ચંદનજી ઠાકોરે માગણી કરી છે કે, કોવિડ 19 હોસ્પિટલોમાં પરિવારના કોઈ સભ્યને કોરોનાને કારણે દાખલ કર્યા બાદ સંક્રમણને લીધે મળી શકાતું નથી. તેમજ દર્દીની પરિસ્થિતિની જાણકારી મળી શકતી નથી અને પરિવારજનો ચિંતામાં રહે છે, ત્યારે આવી સ્થિતિ નિવારવા સરકારે કોરોના વોર્ડનું સીસીટીવીના માધ્યમથી એલઇડી સ્ક્રીન ઉપર પ્રસારણ હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં કરવું જોઈએ. જેથી દર્દીના સ્નેહીઓ તેની સ્થિતિ જાણી શકે. દરેક હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરા અને એલઈડી સ્ક્રીન પણ છે જ આ માટે સરકાર સંવેદનશીલ બની સકારાત્મક દ્રષ્ટિ કેળવે તે જરૂરી છે.