- 10 વર્ષથી તબીબી શિક્ષકો પડતર માગણીઓને લઈ લડી રહ્યા છે
- બુધવારે તબીબી શિક્ષકો તમામ કામગીરીથી અળગા રહ્યા
- કોવિડ વોર્ડમાં કામગીરી ન કરવાનો લીધો નિર્ણય
પાટણ: ધારપુર મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો છેલ્લા એક સપ્તાહથી પોતાની પડતર માંગણીઓને લઇને વિવિધ પ્રકારના કાર્યક્રમો આપી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે છતાં પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની માગણીઓ સ્વીકારવામાં ન આવતા બુધવારે ધારપુર મેડિકલ કોલેજના 74 તબીબી શિક્ષકો તેમજ નર્સિંગ સ્ટાફ પડતર માંગણીઓને મુદ્દે તમામ કામગીરી થી અળગા રહી હડતાળમાં જોડાયા હતા અને તમામ લોકોએ હાથમાં બેનરો રાખી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
હાલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા તબીબો જ કાર્યરત
GMERS ફેકલ્ટી એસોસિએશન સાથે સંકળાયેલા તબીબી શિક્ષકો છેલ્લા 10 વર્ષથી પોતાની પડતર માંગણીઓ માટે લડી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી તેમને પોતાના મૂળભૂત હક્કોનો લાભ મળ્યો નથી. જેના કારણે શરૂ કરવામાં આવેલી હડતાલને લઈને હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં, પણ હાલ તો કોન્ટ્રાક્ટ પર કામ કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફ વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે.