- પાટણ માર્કેટયાર્ડ એરંડાની વધુ આવક
- એક જ દિવસમાં ૨૫ હજાર કરતાં વધુ બોરીઓની આવક
- 1,20,000 મણ એરંડાની આવક નોંધાવા પામી
પાટણ: કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને પાટણ માર્કેટયાર્ડ એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યું હતું. હામાં માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થતા વિવિધ ખેત પેદાશોની આવક માર્કેટયાર્ડમાં જોવા મળી રહી છે. હાલમાં એરંડા, ઘઉં,બાજરી, જુવાર,સહિતની ખેતપેદાશોની આવકો માર્કેટમાં જોવા મળી રહી છે. ખેડૂતોને પાકધિરાણના હપ્તા ચુકવવાના હોવાના કારણે એરંડાના ખેડુતો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.
900થી 1200ના ભાવે વેચાયો પાક
ગુરુવારે પાટણ નવા ગંજ માર્કેટયાર્ડમાં 200થી વધુ ગાડીઓમાં એરંડાની આવક થતાં ચારેતરફ ગંજ બજારમાં વાહનોનો ચક્કાજામ સર્જાયો હતો. એક જ દિવસમાં 25 હજારથી વધુ એરંડાની બોરીની આવક સામે આશરે 1,20,000 મણ એરંડાની આવક નોંધાવા પામી છે તો તેની સામે એરંડાના મણ દીઠ 900 થી 1020 ના ભાવે વેપારીઓએ ખરીદી કરતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એરંડાના ભાવ માં મણદીઠ 200નો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો : જૂનાગઢ APMCમાં શિયાળુ પાકની આવક બે લાખ કરતાં વધુ
માર્કેટયાર્ડમાં અંદાજે 13 કરોડ રૂપિયાનો વેપાર થયો
અગાઉના વર્ષ કરતાં ચાલુ વર્ષે એરંડાનો મબલખ પાક થતાં ગંજ બજારમાં પણ તેની રેકોર્ડ બ્રેક આવક નોંધાવા પામી છે. છેલ્લા ચાર દિવસથી એરંડાની આવકમાં મોટા પ્રમાણમાં વધારો થતાં મોડે સુધી માર્કેટયાર્ડમાં કામગીરી ચાલુ રહે છે. 25 હજારથી વધુ બોરીની આવક સામે માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં અંદાજે 13 કરોડ રૂપિયાનો વ્યાપાર થયો હતો.