પાટણઃ પોઝિટિવ દર્દીઓની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધતા જિલ્લાવાસીઓમાં રાહત જોવા મળી રહી છે. લોકડાઉન 4 માં પાટણ વહીવટી તંત્રએ શરતોને આધીન સવારે 8 થી બપોરના 4 વાગ્યા સુધી ધંધા રોજગાર કરવાની પરવાનગી આપી છે. સાથે સાથે પ્રવાસીઓને પરિવહન કરવા માટે ઓટોરીક્ષાને પણ પરવાનગી આપી છે.
જેને કારણે પાટણ શહેરનું જનજીવન રાબેતા મુજબ શરૂ થયુ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ નગરો અને શહેરમાં મજૂરી કામ અર્થે આવેલા 5,000થી વધુ શ્રમિક પરિવારોને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન મોકલ્યા છે. શહેરમાં છેલ્લા બે મહિનાથી ખાણી પીણીની લારીઓ તેમજ ઠંડા પીણાના ધંધા બંધ હોવાથી આ ધંધા ચાલુ કરવા માટે પાટણ નગરપાલિકા પ્રમુખ સહીતના આગેવાનોએ જિલ્લા કલેકટરને રજુઆત કરતા કલેકટરે આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવી શરતોને આધીન ખાણીપીણી તેમજ નાસ્તાની અને ઠંડા પીણાના ધંધા શરૂ કરવાની મંજૂરી આપી છે.
પોલીસ તંત્ર દ્વારા પણ સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કરફ્યુમાં નગરજનો કામ વગર બહાર ન નીકળે તે માટે રાત્રી દરમ્યાન સતત પેટ્રોલીંગ કરી બિન જરૂરી રીતે બહાર નીકળતા લોકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે.