ગૌ-પૂજાથી પશુ આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવતા પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું કે, પશુપાલનના વ્યવસાય દ્વારા દૂધના વધુ ઉત્પાદન થકી આવકમાં વધારો થાય છે. તે માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી રહી છે. પશુપાલકોએ પોતાના પશુઓને રસીકરણ, યોગ્ય ખોરાક અને સ્વચ્છતા સબંધિત આરોગ્યની યોગ્ય દરકાર લેવી પડશે. રાસાયણીક ખાતરના છંટકાવથી તૈયાર થયેલો ઘાસચારો ખવડાવવાને બદલે ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલો ઘાસચારો વાપરી પશુઓને રોગોથી બચાવવા અનુરોધ કર્યો હતો.
વધુમાં પ્રધાને આગળ જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા પશુઓને મોટા પ્રમાણમાં ખરવાસા અને મોવાસા નામના રોગ લાગુ પડતા હતા. વૈજ્ઞાનીક સંશોધન થકી આ રોગો માટે જવાબદાર બેક્ટેરીયા સામે રક્ષણ આપે તેવી રસીની શોધ દ્વારા રોગ લગભગ નાબુદીના આરે છે. મંત્રી એ એચ.એફ ગાયોના સ્થાને ગીર અને કાંકરેજી જેવી દેશી ઓલાદની ગાયોના સંવર્ધન પર ભાર મુકતા કહ્યું કે, દેશી ગાયના દૂધમાં અનેક રોગો દૂર કરવાની શક્તિ છે, તેના સંવર્ધન થકી વધુ દૂધ ઉત્પાદન કરી આવકમાં વધારો કરવાની સાથે પશુપાલકોએ સમાજને પણ રોગમુક્ત રાખવાની દિશામાં યોગદાન આપવુ જોઈએ.
નાયબ પશુપાલન નિયામક નટુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નવ તાલુકાઓમાં કૃષિ સેમિનાર સંલગ્ન પશુ આરોગ્ય મેળામાં 1742 થી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવ્યુ. આ ઉપરાંત 2832 જેટલા પશુઓની નિઃશુલ્ક આરોગ્ય તપાસ તથા પશુ સારવાર આપવામાં આવશે.