પાટણ: દેવોના મોસાળ એવા સિદ્ધપુરમાં અનેક પ્રાચીન મંદિરો અને આશ્રમો આવેલા છે. દરેક મંદિર અને આશ્રમ પોતાની આગવી ઓળખ ધરાવે છે. દરેક મંદિરોમાં નાના મોટા ઘંટ જોવા મળે છે. એક એવા અષ્ટ ધાતુના વિશેષ ઘંટ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જે સિદ્ધપુરના બિંદુ સરોવર વિસ્તારમાં કદમ આશ્રમમાં આવેલ કૃષ્ણ મંદિરમાં જોવા મળે છે.
અષ્ટધાતુનો ઘંટ: સ્થળ સિધ્ધપુરની પાવન ભૂમિ ઉપર અનેક ઋષિમુનિઓએ વર્ષો સુધી તપસ્યાઓ કરી છે. તેથી સિદ્ધપુરને દેવનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધપુરના બિંદુ સરોવર વિસ્તારમાં કદમ આશ્રમ આવેલું છે. અહીં ભગવાન કૃષ્ણ બલરામ અને રાધાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં એક અષ્ટ ધાતુનો ઘંટ મૂકવામાં આવ્યો છે. જે વગાડવાથી તેમાંથી ૐ કારની ધ્વનિ સંભળાય છે.
નેપાળના રાજા: આ ઘટના ઇતિહાસ વિશે વાત કરીએ તો નેપાળના રાજા ને કોઈ સંતાન ન હતું. તેથી તેઓ ફરતા ફરતા સિદ્ધપુરમાં આવેલ કદમ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. આશ્રમમાં આવેલ કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કરી સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી. નેપાળ નરેશ પોતાના દેશમાં ગયા હતા. સમય જતા તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. આથી નેપાળ નરેશ સંવત 1544 માં શ્રી સ્થળ સિધ્ધપુરના કદમ આશ્રમ ફરી દર્શનાર્થે આવ્યા હતા. તેઓ પોતાની સાથે અષ્ટ ધાતુનો બનેલો 50 કિલો વજન ધરાવતો ઘંટ 20 કિલો ચંદનના લાકડાથી બાંધી હાથી પર સાથે લઈ આવ્યા હતા અને આ ઘંટને મંદિરમાં મૂક્યો હતો.
આ પણ વાંચો Leopard in Patan: સિદ્ધપુરના સમોડામાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ, તંત્રની ઢીલી કામગીરી
ઘંટમાંથી નીકળે છે ૐ કાર ધ્વનિ: આ ઘંટની ખાસિયત એ છે કે, તેનો રણકાર કર્યા બાદ તેમાંથી એક મિનિટ સુધી ઓમકારની ધ્વનિ કાને પડે છે. આજે પણ આ ઘંટ મંદિરમાં હયાત છે. દરરોજ સવાર સાંજ આરતીના સમયે આ ઘંટ વગાડવામાં આવે છે. ત્યારે તેમાંથી નીકળતી ઓમકારની ધ્વનિ લોકોને અલૌકિક વાતાવરણનો અનુભવ કરાવે છે. આ ઘંટની બીજી વિશિષ્ટતા એ છે કે દરેક મંદિરોમાં જોવા મળતા ઘટ ઉપરની બાજુએથી બંધ હોય છે.
માત્ર બે જગ્યાએઃ જ્યારે કદમ આશ્રમ મૂકવામાં આવેલ આ ઘંટ ઉપર અને નીચે બંને બાજુથી ખુલ્લો છે. કહેવાય છે કે અષ્ટ ધાતુનો ઘટ ભારતમાં માત્ર બે જગ્યાએ અને એક નેપાળમાં પશુપતિ મહાદેવ મંદિરમાં છે. ભારતમાં આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં અને બીજો ઘંટ પાટણના સિદ્ધપુરમાં કદમ આશ્રમમાં કૃષ્ણ મંદિરમાં છે.
શાલિગ્રામ પથ્થરમાંથી બનેલી મૂર્તિ: ભગવાન કૃષ્ણની શાલીગ્રામ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ અનેક મંદિરોમાં જોવા મળે છે. કૃષ્ણની સાથે રાધા અને બલરામની શાલીગ્રામ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ સિદ્ધપુરના કદમ આશ્રમમાં આવેલ કૃષ્ણ બલરામ મંદિરમાં જ જોવા મળે છે. કૃષ્ણ બલરામ અને રાધા સાથેનું એક માત્ર મંદિર સમગ્ર ભારતમાં સિદ્ધપુરમાં હોવાનું માનવામાં આવે છે.