પાટણ: શહેર સહિત જિલ્લાના નવ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. પ્રથમ વરસાદે ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા દસ દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને વરસાદ ક્યારે પડશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગતરોજ મોડી રાતથી જ પાટણ શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવતા વરસાદી માહોલ સર્જાયો હતો.
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક: જોત જોતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. પાટણ શહેર શહીત જિલ્લાના સાત તાલુકાઓમાં અડધા ઇંચથી લઈને 4.30 ઇંચ સુધીનો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
લોકોને ભારે હાલાકી: વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદને કારણે વરસાદી પાણી માર્ગ ઉપર રેલાયા હતા અને ઢીંચણ સમા પાણી ભરાતા જળ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી. શહેરના નીચાણ વાળા વિસ્તારો જેવા કે બુકડી, કોલેજ અંડર પાસ, રેલવેનું પ્રથમ ગરનાળુ, રેલવેનું બીજું ગરનાળુ, આનંદ સરોવર રોડ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાને કારણે આ માર્ગો અવરજવર માટે બંધ થતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી.
મુખ્ય માર્ગ બંધ થયો: શહેરમા પ્રવેશવાનો મુખ્ય દ્વાર કહી શકાય એવું રેલવેના પ્રથમ ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. નગરપાલિકા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન પ્લાન બનાવે છે પરંતુ આ પ્લાન માત્રને માત્ર કાગળ રહેવા પામ્યો છે. જે વિસ્તારમાં પરંપરાગત રીતે પાણી ભરાય છે તે વિસ્તારોમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. બે ઇંચ વરસાદે નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી છે. નગરપાલિકાની આ કામગીરી સામે લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે.
સરસ્વતી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ: પાટણ જિલ્લામાં 30 કલાકમાં પડેલા વરસાદ ઉપર નજર કરીએ તો સાંતલપુર 3 mm, રાધનપુર 21 mm,
સિધ્ધપુર 36 mm, પાટણ 53 mm, હારીજ 11mm, ચાણસ્મા 3 mm, સરસ્વતી 107 mm વરસાદ નોંધાયો છે. શંખેશ્વર અને સમી તાલુકો કોરા રહ્યા છે.