- પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળ્યો મતદારોનો અનેરો ઉત્સાહ
- ધીરેન પટેલ નામના યુવાને પીઠી ચોળેલી હાલતમાં જઈ મતદાન કર્યું
- એમ એન પ્રાથમિક શાળાના મતદાન મથકે પરિવાર સાથે જય યુવાને કર્યું મતદાન
પાટણઃ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો લાઈનમાં ઊભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વમાં પોતાનું યોગદાન આપ્યું હતુ, ત્યારે પાટણના વૉર્ડ નંબર 1ના મતદાન મથક પર પીઠી ચોળેલી હાલતમાં વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જેથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
લોકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ
પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે કરવામાં આવેલા પ્રયાસો કંઈક અંશે સાર્થક નીવડે તેમ પાટણમાં કેટલાક આશ્ચર્યચકિત કરનારા આ દ્રશ્યો મતદાન મથકો પર જોવા મળ્યા હતા. શહેરના વૉર્ડ નંબર 1 ના એમ એન પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથક પર પીઠી ચોળેલી હાલતમાં વરરાજા પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યો હતો. હિરેન પટેલ નામનો આ યુવાન ઘોડે ચડી રહ્યો છે, ત્યારે પીઠી ચોળેલી અવસ્થામાં મતદાન કેન્દ્ર પર પહોંચતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ધીરેને લોકશાહીના મહાપર્વમાં મતદાન કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાટણના આ યુવાને મતદાન માટેની પોતાની નિષ્ઠા વ્યક્ત કરતા અન્ય લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી.