પાટણઃ નગરપાલિકા હસ્તકના માખણીયા પરા વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સ્ટેશનમાં નગરપાલિકા દ્વારા ઠાલાવવામાં આવતો ઘનકચરો માર્ગો પર આવી જતા આ વિસ્તારના ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. જે અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા ખેડૂતોએ નગરપાલિકાના કચરાના વાહનોને અટકાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જે અંગે પોલીસને જાણ થતાં તેમણે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
પાટણથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા માખણીયા પરા વિસ્તારમાં કાર્યરત ડમ્પિંગ સ્ટેશનમાં નગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં એકત્રિત કરેલો કચરો ડમ્પિંગ સ્ટેશનમાં લાવવામાં આવે છે. છેલ્લા કેટલાંક સમયથી નગરપાલિકાના વાહનો દ્વારા ઠાલાવવામાં આવતો કચરો ડમ્પિંગ સ્ટેશનની બહાર માર્ગો પર જ્યાં ત્યાં ઠલવાઈ રહ્યો છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.
સ્થાનિક ખેડૂતે આ અંગે જણાવ્યું હતું કે, કચરો માર્ગ પર આવી જતાં ખેડૂતોને ખેતરમાં અવર-જવર કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે ગુરુવારે સાંજે ખેડૂતોએ કચરો ઠાલવતા નગર પાલિકાના વાહનોને અટકાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. બાદમાં આ મામલે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ખેડૂતોએ સાથે વાતચીત કરી મામલો થાળે પાડયો હતો.
જો કે, ખેડૂતોએ નગરપાલિકા દ્વારા JCB મશીન વડે માર્ગ પરના કચરાના ઢગને સત્વરે દૂર કરવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો દ્વારા પાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.