- પાટણમાં ભાજપે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી
- ભાજપનો ભગવો લહેરાતા કરાઈ ઉજવણી
- આનંદની લહેરખીમાં ઉમેદવારો અને તેમના સમર્થકો પણ જોડાયા
પાટણ: રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં મતદાન બાદ મંગળવારે મતગણતરી હાથ ધરાતા કોંગ્રેસના સુપડા સાફ કરી ભાજપે ભવ્ય વિજય મેળવતા પાટણમાં બગવાડા ચોકમાં ભાજપે આતશબાજી કરી જીતનો આનંદ મનાવ્યો હતો અને એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.
કે.સી.પટેલની ઉપસ્થિતિમાં કરી આનંદની ઉજવણી
રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે વિજય પતાકા લહેરાવતા તેની ખુશીમાં પાટણ નગરપાલિકાની ચૂંટણી લડતા ભાજપના ઉમેદવારોએ પોત-પોતાના વોર્ડ વિસ્તારમાંથી રેલી યોજી બગવાડા ચોકમાં એકઠા થયા હતા. જ્યાં પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય આતશબાજી કરી વિજયના વધામણા કર્યા હતા. ત્યારબાદ બગવાડા ચોકથી વિઠલ ચેમ્બર્સ સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો અને જે-તે વોર્ડના ઉમેદવારો અને તેમના સમર્થકો જોડાયા હતા.