પાટણ: ચોમાસા ઋતુની શરૂઆતમાં શહેર સહિત જીલ્લામાં વરસાદ થયા બાદ, ઘણા દિવસો પછી આજે મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ ન આવવાથી છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનું પ્રમાણ વધતા લોકો પરેશાન થઈ ગયા હતા.
ત્યારે, શુક્રવારની રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવતા અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે જ, વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો સહિત જાહેર માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. વરસાદના આગમનથી લોકોમાં ખુશી જોવા મળી હતી. તો સાથે જ, ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી.